/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/1-10.jpg)
યોગ્ય તપાસ કરી તબીબ સામે કાર્યવાહી અને મૃતકનાં પરિવારજને વળતર ચૂકવવાની કરી માંગ
દાહોદ જિલ્લાના ફતેપુરા સરકારી દવાખાનામાં થોડા દિવસો પહેલાં એક દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ સરકારી દવાખાના જવાબદાર ડોક્ટર દ્વારા દર્દીને ડેંગ્યુનો તાવ હોઈ તેના બદલે ટાયફોઈડ અને બીજા પ્રકારની દવા કરતા ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત નીપજ્યું છે. પરિવારજનો દ્વારા આક્ષેપો બાદ આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટરને આ સંદર્ભે આવેદન પત્ર પાઠવી યોગ્ય તપાસ કરવા અને ડોક્ટર સામે કાર્યવાહી કરવા તથા મૃતકના પરિવારજનોને વળતર ચુકવવા માંગ કરી હતી.
દાહોજ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના વલુન્ડી(લેવાલા) ગામે રહેતા વિજય ચેતનભાઈ બરજોડના પિતા ચેતન પુંજાભાઈ બરજોડની તબીયત ખરાબ થતાં તેઓને તા. ૫. ૧૧. ૨૦૧૮ના રોજ ફતેપુરા સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબ ર્ડા.રાઠવાએ દર્દીને તપાસ કરી રિપોર્ટ કરાવવા અંગે જણાવતા પરિવારજનો દર્દીને લઈ એક હોસ્પિટલમાં લેબોરટરી કરાવવા માટે લઈ ગયા હતા. બાદમાં રિપોર્ટમાં દવા-ગોળીઓ લખીને જણાવેલું સારવાર દરમ્યાન ૧ બોટલ અને ૪ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા.
આ બાદ દર્દીને વધુ ઠંડી લાગતા ડોક્ટર દ્વારા તેઓને ઘરે લઈ જવા જણાવતા પરિવારજનો દર્દીને ઘરે લઈ ગયા બાદ ત્યાં દર્દી ચેતન બરજોડની તબીયત વધુ લથડતા પુનઃતેઓને ફતેપુરા સરકારી હોસ્પિટલમાં ખાતે લઈ જવાયા હતા. જ્યાં સરકારી દવાખાનાના ર્ડા.રાઠવાએ સંતરામપુરની એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવા જણાવતા ૧૦૮ મારફતે સંતરામપુર ખાતે લઈ ગયા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલનાં રિપોર્ટમાં દર્દીને ડેન્ગ્યુના તાવની દવાના બદલે કોઈ બીજી દવા આપી હોવાનું જણાતા અને જેને કારણે મગજમાં દવાની અસરના કારણે બેભાન હાલતમાં હતા.
બાદમાં દર્દી ચેતન બરજોડનું થોડા સમય બાદ મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઉપરોક્ત તમામ બાબતને લઈ આવેદન પત્ર સાથે આજરોજ મૃતકના પરિવારજનો દાહોદ જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા. અને જણાવ્યું હતું કે, ફતેપુરા સરકારી દવાખાનાના ર્ડા.જે.ડી.રાઠવાની બેદરકારીના કારણે ચેતન બરજોડનું મૃત્યુ થયું છે. જેથી મૃતકના વારસદારોને ર્ડા.રાઠવા પાસેથી વળતર અપાવવું તથા આ બાબતે ફતેપુરા સરકારી દવાખાના આરોગ્ય કર્મચારીઓ સામે પગલા ભરી તપાસ કરવા માંગ કરી હતી.