નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ખાતે અંદાજે રૂા.૬૦ કરોડનાં ખર્ચે નવનિર્મિત ૪૫ કે.એલ.પી.ડી. ઇથેનોલ પ્લાન્ટનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

New Update
નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ખાતે અંદાજે રૂા.૬૦ કરોડનાં ખર્ચે નવનિર્મિત ૪૫ કે.એલ.પી.ડી. ઇથેનોલ પ્લાન્ટનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. ખાતે અંદાજે રૂા.૬૦ કરોડના ખર્ચે દેશમાં ત્રીજા અને ગુજરાતમાં સૌ પ્રથમ ૪૫ કે.એલ.પી.ડી.ઇથેનોલ પ્રોજેકટને ખુલ્લો મૂકયો હતો.ગુજરાતનાં સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસંદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પ્રદેશ મહામંત્રી અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ગુજરાતના પૂર્વ રાજયમંત્રી શબ્દશરણભાઇ તડવી અને મોતીસિંહ વસાવા, ભરૂચના અગ્રણી યોગેશભાઇ પટેલ, નર્મદા જિલ્લાના અગ્રણી ધનશ્યામભાઇ દેસાઇ, ધારીખેડા સુગરના અધ્યક્ષ ધનશ્યામભાઇ પટેલ અને મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્રભાઇ પટેલ સહિત વિવિધ સુગર મંડળીના અધ્યક્ષો, સહકારી આગેવાનો, ધારીખેડા સુગરના ડિરેકટરો, સભાસદો વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં આજે ધારીખેડા ખાતે ઉકત નવનિર્મિત ૪૫ કે.એલ.પી.ડી. ઇથેનોલ પ્રોજેકટનાં લોકાર્પણના કાર્યક્રમને દિપપ્રાગટય ધ્વારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પટેલે ખુલ્લો મુકયો હતો અને ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉકત પ્લાન્ટનો બટન દબાવીને પ્રારંભ કરાવ્યો હતો.

ત્યારબાદ તેઓએ ખુલ્લી જીપમાં નર્મદા સુગરનાં પદાધિકારીઓ અને ઉપસ્થિત મહાનુભાવો સાથે પરિસરમાં ફરીને નિરીક્ષણ કર્યું હતું અને પ્લાન્ટની તકતીનું અનાવરણ કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ગુજરાતના આ સૌ પ્રથમ પ્લાન્ટને ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે,ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓમાં અને ખાસ કરીને ખાંડ-સુગર મિલોમાં આધુનિક ટેકનોલોજીનો અહીં પ્રથમ ઉપયોગ કરીને શેરડીનાં પિલાણમાંથી સીધેસીધુ ઇથેનોલનાં ઉત્પાદનનો પ્રારંભ થયો છે. શેરડીનાં પીલાણમાંથી અગાઉ બાયપોડકટ તરીકે મોલાસીસ જે નિકળતી હતી તેની કિંમત વધુ મળતી ન હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમનાં વડાપ્રધાન તરીકેનાં પ્રથમ કાર્યકાળ દરમ્યાન તેમની દિર્ધદ્રષ્ટિથી ખેડૂતોની આવક વધારવાનાં લક્ષ્ય સાથે અધતન ટેકનોલોજીના ઉપયોગથી શેરડીનાં પીલાણમાંથી સીધેસીધું ઇથેનોલ બનાવવાનું અને ભારત સરકારની ઓઇલ કંપનીઓને તેની સીધી ખરીદી કરીને ૧૦ ટકા જેટલું ઇથેનોલ બળતણ ફરજીયાતપણે ઓઇલમાં મિક્ષ કરવાનાં લીધેલાં નિર્ણયને લીધે વિદેશી હુંડીયામણની પણ આપણે બચત કરી રહયાં છીએ.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે આ ઇથેનોલ પ્લાન્ટમાં દરરરોજ અંદાજે ૪૦ હજાર લીટર જેટલું ઇથેનોલનું ઉત્પાદન થશે. અને ભારતની ઓઇલ કંપનીઓ અહીં આવીને રૂા.૪૫ થી માંડીને રૂા.૫૮ સુધીના લીટરનાં ભાવે ઇથેનોલની ખરીદી કરશે એટલે અહીં ઉત્પાદિત થનારા ઇથેનોલના માર્કેટીંગનો પણ કોઇ પ્રશ્ન રહેશે નહિં અને ઓઇલ કંપનીઓ સામે ચાલીને અહીંથી ઇથેનોલની ખરીદી કરશે, જેનો સીધો લાભ આ વિસ્તારનાં શેરડી પકવતાં ખેડૂતોને થશે.

નીતિનભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આઠ જેટલી સુગર મિલોમાં શેરડીનાં પીલાણનાં બાયપ્રોડક્ટ મોલાશીશમાંથી ઇથેનોલ બનાવે છે, જ્યારે અહીં શેરડીનાં પીલાણમાંથી સીધેસીધો ઇથેનોલ બનવાને લીધે હવે તેના ખર્ચમાં ઘટાડા સાથે ઉત્પાદકતા વધશે અને તેને લીધે વધુ નફો થવાથી ખેડૂતો માટે વધુ લાભદાયી બની રહેશે. તેમણે અહીં ઓર્ગેનિક ખાંડના થતાં ઉત્પાદનને લીધે તેની ઉંચી કિંમત મૂલ્યનો આ વિસ્તારનાં ૨૩ હજાર જેટલાં ખેડૂત સભાસદોને લાભ મળી રહ્યોં છે અને હજારો હેક્ટર જમીનમાં અહીંનાં ખેડૂતો શેરડીનું વાવેતર કરે છે, ત્યારે આગામી ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં વડાપ્રધાનનાં સંકલ્પને સાકાર કરવામાં આ સુગર મીલને તેમાં ખૂબ મોટો ફાળો બની રહેશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ પ્રસંગે રૂા.૩ કરોડનાં ખર્ચે નાવરા-વરાછા-વડીયા રોડની મંજૂરીની જાહેરાત સાથે તેને જોબ નંબર અપાયો હોવાની જાણકારી સાથે રૂા.૩.૩૦ કરોડનાં ખર્ચ નિકોલી-સીસોદરા રોડનાં કામને મંજૂરી અપાઇ હોવાની પણ ઘોષણા કરી હતી. તદ્ઉપરાંત ભરૂચ ગોલ્ડન બ્રિજની બાજુમાં આકાર લઇ રહેલા નવા પુલની પણ કામગીરી ઝડપથી પૂર્ણ થયેથી આગામી દિવાળી બાદ તેનાં લોકાર્પણ કરાશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તદ્ઉપરાંત પ્રવિત્ર તીર્થધામ માલસર અસા-નર્મદા નદી ઉપર રૂા.૨૨૫ કરોડનાં ખર્ચે મંજૂર કરાયેલાં પુલની ટેન્ડર પ્રક્રિયા ફાઇનલ થવા ઉપર હોવાની તેમણે જાણકારી આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને અનુલક્ષીને ડભોઇ, ભરૂચ, સુરતથી ચારમાર્ગીય રોડના મોટા ભાગના કામો પૂર્ણ થયાં છે અને રેલ્વે લાઇનનું કામકાજ પણ ચાલી રહ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતનાં સહકાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સુગર ફેક્ટરમાં સહકારી ધોરણે ચાલે છે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળી રહે તેવા પ્રયાસો સરકારનાં રહ્યાં છે.

ગુજરાતમાં કૃષિ મહોત્સવની ઉજવણી પહેલાં રૂા.૯ કરોડનાં ખેતઉત્પાદન વધીને ૧.૫૦ હજાર કરોડથી વધુ સુધી પહોંચ્યું છે. જે ખેડૂતોની ૨૦૨૨ માં આવક બમણી કરવાનો સંકલ્પ સાકાર કરવામાં સહાયરૂપ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખાંડ ઉદ્યોગની ચિંતા કરીને શેરડીનાં ટેકાના ભાવો નક્કી કરાતાં તેના ભાવો જળવાઇ રહ્યાં છે. ઇથેનોલનું અહીં ઉત્પાદન થવાથી ખાંડનું ઉત્પાદન ઘટશે અને તેને લીધે ખાંડના સ્ટોરેજમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં ૧૯૯૫ ના અરસામાં પડી ભાંગેલી ધારીખેડા સુગરને બેઠી કરી તેને જીવંત રાખવા ઘનશ્યામભાઇ પટેલ સહિતનાં આગેવાનોએ હેન્ડઓવર કરીને આજે ખેડૂતોના હિતમાં આ સુગર મીલે પ્રેરક કામગીરી કરી અદ્વિતિય સિધ્ધિ હાંસલ કરેલ છે. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારે પણ તેમનાં પ્રાસંગિક ઉદબોધનમાં ૧૯૯૫ ના અરસામાં આ સુગર મીલનો વહીવટ કસ્ટોડીયન તરીકે સોંપાયો ત્યારે ખેડૂતોએ ઘરેણા વહેંચીને તેના શેરની કરેલી ખરીદીની કિંમત-મૂલ્ય આજે ઘરેણાની કિંમત જેટલી થઇ છે, જે આ મંડળીની યશસ્વી સિધ્ધિની પ્રતીતિ કરાવે છે.

પ્રારંભમાં નર્મદા સુગર મીલનાં અધ્યક્ષ ઘનશ્યામભાઇ પટેલે તેમનાં સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સંસ્થાના ઇથેનોલ પ્રોજેક્ટની રૂપરેખા સાથે આ સંસ્થાએ જુદી જુદી નોંધનીય સિધ્ધિઓ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી ૧૬ જેટલાં મેળવેલા એવોર્ડઝની પણ જાણકારી આપી હતી.

અંતમાં નર્મદા સુગર મીલના ઉપાધ્યક્ષ અજયસિંહ પરમારે આભારદર્શન કર્યું હતું તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ નર્મદા સુગર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

Latest Stories