અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના જમીન સંપાદન અંગે નવસારી જિલ્લામાં ખેડુતોનો વિરોધ જોવા મળી રહયો છે. માણેકપોર ગામમાં મળેલી બેઠકમાં ખેડુતોએ સરકારી વળતર સ્વીકારવાનો ઇન્કાર કરી પ્રોજેકટનો વિરોધ કર્યો છે.
નવસારીથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે આવેલા સુરતના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થનારી બુલેટ ટ્રેન મા જમીન સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. તો બીજી તરફ નવસારી જિલ્લાના ૨૮ ગામો પૈકી પાંચ ગામોના ખેડૂતોએ જંત્રી મુજબ નજીવો ભાવ મળતા માપણી નો વિરોધ શરૂ થયો છે, જમીન સંપાદનના બદલામાં સરકાર ખેડૂતોને પ્રતિ ચોરસ મીટર 1,041 રૂપિયા અને 25 પૈસા આપી રહી છે જે ખેડૂતોને મંજૂર નથી.
ગણદેવી તાલુકાના માણેકપોર ગામે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં ખેડૂતો ને તેમની જમીનના બદલામાં જે ભાવ મળે છે તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાનોએ ખેડૂતોને બુલેટ ટ્રેન ના ગેરફાયદા અને તેનાથી થનારા નુકશાનની સમજ આપી હતી. નવસારી જિલ્લામાં જો ખેડૂતોને જમીન સંપાદન સામે યોગ્ય વળતર ન મળે તો આગામી સમયમાં સરકાર માટે કપરા ચઢાણ સાબિત થશે.