/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-54.jpg)
નવસારીમાં પારસી સમાજ દ્વારા ઘી-ખીચડીનાં તહેવારની ઉલ્લાસભેર ઉજવણી
ભારતમાં કુદરતને ખુશ કરવાની દરેક ધર્મની અનોખી પરંપરા પૂર્વજોથી ચાલી આવે છે. ત્યારે નવસારીમાં પારસી સમાજ દ્વારા વર્ષોથી રોઝદિન (પારસી રેન)ની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝ દિનની ઉજવણી આનંદ-ઉલ્લાસભેર કરી વરસાદને રીઝવવામાં આવે છે. જેની આજે અનોખી રીતે નવસારીમાં ઉજવણી કરવામાં આવી હતી.
ભારતમાં પારસી સમાજ ગુજરાત રાજ્યના સંજાણ બંદરેથી આગમન કરી દુધમાં સાંકરની જેમ ભળી ગયા. આ પારસી ધર્મનાં લોકો માટે બહેમન મહિનો પવિત્ર મનાય છે. આ માસમાં પારસીઓ માંસ-માછલીનો ત્યાગ કરી શાકાહારી ભોજન આરોગે છે. આ મહિના દરમ્યાન પારસી કોમ પોતાના કુટુંબના મૃત્યુ પામેલ પિતૃઓની પુજા પણ કરે છે. જેથી પારસી સમાજમાં બહેમન મહિના પવિત્ર મહિના તરીકે મહત્વ ધરાવે છે. પારસી ધર્મમાં બહેમન માસના રોઝ દિન સૌથી પવિત્ર દિન કહેવાય છે.
દરેક જ્ઞાતિ-ધર્મજનો મારફતે વરસાદને રીઝવવાની અનોખી પરંપરાઓ ચાલી રહી છે. ત્યારે નવસારીમાં વસતા પારસી સમાજ દ્વારા વરસાદને રીઝવવાની અનોખી પરંપરા ચાલી આવે છે. નવસારી પારસી સમાજે વરસાદ રીઝવવાની શરૂઆત ૧૯૫૯ વર્ષમાં આવેલા દુકાળનાં સમયથી કરી હતી. ત્યારથી શરૂ થયેલી પરંપરા આજે પણ યથાવત છે.
આ દિવસે ઘી-ખીચડીનો કાર્યકમ યોજી મેધરાજાને રીંઝવવામાં આવે છે. આ દિવસે પારસી સમાજના બાળકો અને પુરુષો સમાજના દરેક ઘરે ઘરે ફરી અનાજનું (દાળ, ચોખ, ઘી, અને તેલ) ઉઘરાણું કરી એક સાથે ભોજન કરે છે. તથા આ દિવસને ઘી-ખીચડીનો દિવસ તરીકે પણ ઓળખાય છે. વરસાદને રીઝવવા માટે પારસી લોકગીત " ઘી ખીચડીનો પૈસો દોઢિયાનો રૂપિયો વરસાદજી તો આયેગા" નું ગીત ગાય દાળ-ચોખા અને ઘી ઉઘરાવી ખીચડીનું સામુહીક ભોજન કરે છે.