દક્ષિણ આફ્રિકામાં નિગ્રો લુંટારૂઓ દ્વારા ભારતીયોને લુંટી લેવાનો સિલસિલો યથાવત રહયો છે. વેન્ડા શહેરમાં 24 કલાકના સમયગાળામાં બે ભારતીયોને લુંટી લેવાયાં હોવાની વાતો વહેતી થઇ છે. બે પૈકી એક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
દક્ષિણ આફ્રિકાના વિવિધ દેશોમાં ગુજરાતીઓ સહિત અનેક ભારતીયો રોજગારી માટે સ્થાયી થયાં છે. આફ્રિકન દેશોમાં હવે ભારતીયોની સલામતી સામે જોખમ ઉભું થયું છે. સ્થાનિક નિગ્રો લુંટારૂઓ ભારતીયોને નિશાન બનાવી લુંટ ચલાવી રહયાં છે. આફ્રિકાના વેન્ડા શહેરમાં 24 કલાકના ટુંકાગાળામાં લુંટના બે બનાવો બન્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. એક સ્ટોરમાં ઘુસી ગયેલાં બંદુકધારી નિગ્રો લુંટારૂએ રોકડ રકમની લુંટ ચલાવી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ ઉપરાંત ભરૂચ તાલુકાના શેરપુરા ગામના યુવાનને લુંટી લેવાયો હોવાની ચર્ચા પંથકમાં ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ આફ્રિકાના દેશોમાં રહેતાં ભારતીયોની સુરક્ષાના સંદર્ભમાં ભરૂચમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આફ્રિકામાં વધી રહેલાં લુંટના બનાવોથી ભારતમાં રહેતાં સ્વજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.