ભરૂચના વાલિયા તાલુકા સ્થિત ગણેશ ઉદ્યોગ સહકારી મંડળી ગણેશ સુગરની મિલકતોની NCDC દ્વારા જાહેર કરાયેલી હરાજી સામે પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ખેડૂતો અને સભાસદોના હિત રક્ષણ માટે હરાજી પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવા સરકાર અને NCDC સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે.NCDCની નોટિસ અનુસાર, રૂ. 186.48 કરોડની અનામત કિંમત સાથે આગામી 18 નવેમ્બરના રોજ ગણેશ સુગરની હરાજી યોજાનાર છે.

સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે ગણેશ સુગર માત્ર એક ઔદ્યોગિક એકમ નથી, પરંતુ આ વિસ્તારના હજારો ખેડૂતો, કામદારો અને સ્થાનિક અર્થતંત્રની જીવાદોરી સમાન સહકારી સંસ્થા છે.તેઓ દ્વારા રજુઆત કરાઈ છે કે, હરાજીની પ્રક્રિયા તાત્કાલિક અટકાવી સંસ્થાને પુનઃજીવિત કરવાની તક આપવામાં આવે. NCDC સમક્ષ ધિરાણના પુનઃગઠન  માટેની દરખાસ્ત મૂકવામાં આવે, વ્યાજમાં રાહત આપી મુદ્દલ રકમ લાંબા ગાળાના હપ્તામાં ચૂકવવાની જોગવાઈ કરાય. સમયસર ચૂંટણી ન થવી, શેરડી પુરવઠાની અછત અને અગાઉના વહીવટકર્તાઓ તથા કસ્ટોડિયન કમિટીના નિર્ણયોની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે.તેમણે ઉમેર્યું હતું કે વહીવટી ખામીઓની સજા નિર્દોષ સભાસદ ખેડૂતોને ન મળવી જોઈએ. સરકારે તાત્કાલિક મધ્યસ્થી કરી NCDC સાથે વાટાઘાટો શરૂ કરવી જોઈએ જેથી ગણેશ સુગરને બચાવી શકાય.