ભરૂચમાં ચાલુ ફરજ દરમ્યાન જ હોમગાર્ડ ઇલું ઇલું કરતા સી.સી. ટીવી કેમેરામાં ઝડપાઇ જતા હોમગાર્ડ સંકુલમાં ચર્ચાની એરણે ચડ્યા છે.
ભરૂચ હોમગાર્ડ કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં ઘેરાયેલું રહે છે. અણઘડ વહીવટના કારણે હોમગાર્ડ કચેરી પ્રશ્નોથી ઘેરાયેલી રહે છે. તેવામાં ભરૂચ હોમગાર્ડમાં વધુ એક વિવાદમાં સપાટી પર આવ્યો છે. વાત કઈ એવી બની કે ભરૂચ હોમગાર્ડ કમાન્ડન્ટનો ખાસ ગણાતો એક હોમગાર્ડ ફેમિલી કોર્ટ ના સંકુલમાં મહિલા હોમગાર્ડ સાથે ફરજ દરમ્યાનજ ખૂણામાં જઈ પ્રેમાલાપ કરતા સી.સી. ટીવી કેમેરાની બાઝ નજરમાં કેદ થઈ ગયા હતા. કેમરાના ફૂટેજ ફેમિલી કોર્ટના જજના ધ્યાને આવતા તેમને હોમગાર્ડ કમાન્ડન્ટને આ અંગે ફરિયાદ કરી હતી. જો કે હોમગાર્ડ કમાન્ડન્ટ ગાંધીએ કોઈ સામાન્ય બનાવ હોય તેમ આંખ આડા કાન કર્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મહિલા હોમગાર્ડઓ એ પગાર નિયમિત ન આપતો હોવાની સાથે અનેક ફરિયાદો ઉઠાવી હતી. જેમાં મહિલા હોમગાર્ડનું ફરજ પર જાતીય શોષણ થતું હોવાની સંભાવનાઓને નકારી શકાય નહીં. જોકે પોતાની નોકરી બચાવવાની મજબૂરીમાં મહિલા હોમગાર્ડ પ્રતિકાર ના કરતી હોય તેવી પણ સંભાવના છે. દરમ્યાન હોમગાર્ડના પ્રેમાલાપનું પ્રકરણ બહાર આવતા જ હોમગાર્ડ છાવણીમાં આ વિષય ચર્ચાની એરણે ચડ્યો છે.