સુરત શહેરમાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટેના ઉદ્દેશ્ય સાથે મહાનગરપાલિકા દ્વારા ‘સિગ્નલ સ્કૂલ બસ’ સેવા શરૂ કરી છે. જેમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

‘સિગ્નલ સ્કૂલ બસ’ સેવા એટલે બાળકો માટે હરતી ફરતી શાળા… સિગ્નલ પર ભીખ માંગતા, મજૂરી કરતા કે, કોઈપણ વસ્તુ વેચતા બાળકો તમે જોતા હશો. આ બાળકો શાળાએ જઈ શકતા નથી. તેવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ‘સિગ્નલ સ્કૂલ બસ’ સેવા શરૂ કરવામાં આવી છે. જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે શરૂ થયેલી આ પહેલ અંતર્ગત ૬થી ૮ વર્ષના બાળકોને રેસ્ક્યુ કરી બ્રિજ કોર્સ દ્વારા નિયમિત શિક્ષણ સાથે જોડવામાં આવશે. આ માટે સિટી લિંક બસને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. બાળકોને શિક્ષણ ઉપરાંત મધ્યાહન ભોજન, હેલ્થ ચેકઅપ, યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રી વિનામુલ્યે આપવામાં આવશે. અમદાવાદની સફળતા બાદ સુરતમાં રાંદેર ઝોનથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૬૫૦થી વધુ બાળકોને નજીકની મ્યુનિસિપલ શાળાઓમાં સફળતાપૂર્વક પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ પહેલથી ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને શિક્ષણ સાથે જોડીને તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત બનશે.