રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડ્યો છે અનાજનો જથ્થો, જો વરસાદ આવે તો?

New Update
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડ્યો છે અનાજનો જથ્થો, જો વરસાદ આવે તો?

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવા છતાં માર્કેટ યાર્ડનું તંત્ર હજી નિંદ્રામાં

એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રાજકોટમાં ઘરતીપુત્રોનું અનાજની માર્કેટીંગ યાર્ડનાં સત્તાધીશોને કંઇ જ પડી ન હોય તેમ ખુલ્લામાં પડ્યું છે. ખેડુતો અને વેપારીઓ અનાજ ખુલ્લામાં રાખવા પાછળ દોષનો ટોપલો યાર્ડનાં સત્તાધીશો પર ઢોળી રહ્યા છે. જ્યારે યાર્ડનાં સત્તાધીશો સેડ હોવા છતાં વેપારીઓ અને ખેડુતો ઉપયોગ કરતા ન હોવાનું કહીને પોતોનો બચાવ કરી રહ્યા છે.

અહીં વાત છે રાજકોટનાં બેડી માર્કેટીંગ યાર્ડની. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી દીધી છે. પરંતુ આ આગાહીની રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોઇ જ અસર ન હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લામાં પડેલા અનાજનાં જથ્થાની જાણે કે, કોઇને પરવાહ નથી. જો આવા સંજોગોમાં વરસાદ ખાબકે તો આ અનાજનાં જથ્થાનું શું થાય? તે મોટો સવાલ સામે આવી રહ્યો છે.

ખુલ્લામાં પડેલા અનાજનાં જથ્થા મામલે ખેડુતો અને વેપારીઓ દોષનો ટોપલો યાર્ડનાં સત્તાધીશો પર ઢોળી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે યાર્ડમાં તૈયાર કરવામાં આવેલા સેડ એટલા ઉંચા છે કે, ત્યાં મજૂરો કામ કરી શકતા નથી જેથી ન છુટકે ખેડુતોએ અનાજનો જથ્થો ખુલ્લા પ્લોટમાં ઉતારવાની નોબત આવે છે.

માર્કેટ યાર્ડનાં સત્તાધીશોનાં કહેવા પ્રમાણે યાર્ડમાં કુલ 12 જેટલા સેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ખેડુતો અને વેપારીઓ અનાજનો જથ્થો ઉતારી શકે છે. પરંતુ ખેડુતો તેનો ઉપયોગ નહીં કરતા હોવાથી જથ્થો ખુલ્લામાં પડ્યો છે. જ્યારે વરસાદ આવશે ત્યારે આ જથ્થાને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો હતો.

મહત્વનું છે કે, ગત વર્ષે પણ વરસાદનાં પાણીમાં મગફળીનો જથ્થો પલળી ગયો હતો અને વેપારીઓ અને ખેડુતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વખતે પણ હવામાન વિભાગે આગાહી કરવા છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી. પાણી પહેલા પાળ બાંધવાની જગ્યાએ માર્કેટીંગ યાર્ડનાં સત્તાધીશો આગ લાગે ત્યારે કુવો ખોદવા જશે તેવો રાગ આલાપી રહ્યા છે.

Latest Stories