રાજસ્થાન : ગેહલોટ સરકારના માથેથી સંકટના વાદળો વિખેરાયો, સચીન પાયલોટની થશે ઘરવાપસી

New Update
રાજસ્થાન : ગેહલોટ સરકારના માથેથી સંકટના વાદળો વિખેરાયો, સચીન પાયલોટની થશે ઘરવાપસી

રાજસ્થાનની અશોક ગેહલોટ સરકારના માથે ઘેરાયેલા સંકટના વાદળો વિખેરાય ગયાં છે. બળવાખોર સચીન પાયલોટ તથા તેમના જુથના તમામ ધારાસભ્યો કોંગ્રેસમાં ઘર વાપસી કરશે. 14મીએ મળનારા વિધાનસભાના સત્ર પહેલાં કોંગ્રેસ માટે આ રાહતના સમાચાર ગણી શકાય તેમ છે.

રાજસ્થાનમાં છેલ્લા 32 દિવસથી ચાલી રહેલાં રાજકીય ડ્રામાનો કોંગ્રેસ માટે સુખદ કહી શકાય તેવો અંત આવ્યો છે. સચીન પાયલોટ અને તેમના જુથના 18 ધારાસભ્યોએ સોમવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, ખજાનચી અહમદ પટેલ અને કે.સી. વેણુ ગોપાલ સાથે મુલાકાત કરી હતી. બે કલાક સુધી ચાલેલી મુલાકાત વેળા સચીન પાયલોટે તેમનો પક્ષ રાખ્યો હતો. મોવડી મંડળે સચીન પાયલોટને તમામ વિવાદોનો અંત લાવી દેવાની ખાતરી આપી હતી. સચીન પાયલોટે મુલકાત બાદ ટવીટ કરી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો. 

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ રહી ચુકેલાં સચીન પાયલોટે જણાવ્યું હતું કે, પાર્ટી પદ આપી પણ શકે છે અને લઇ પણ શકે છે. અમારા આત્મસન્માન માટે આ પગલું ભરાયું હતું. મોવડી મંડળે ત્રણ સભ્યોની કમિટી બનાવી અમારી સમસ્યાનો ઉકેલ લાવી દેવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં સચીન પાયલોટને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહાસચિવ બનાવવામાં આવે તેવી પુરેપુરી શકયતા રહેલી છે. સચીન પાયલોટ હવે રાજસ્થાનના રાજકારણને અલવિદા કહી દીલ્હીમાં ધામા નાંખે તેવી સંભાવના છે. છેલ્લા 32 દિવસથી રાજસ્થાનની બહાર રહેલાં સચીન પાયલોટ જુથના ધારાસભ્યો હવે પરત રાજસ્થાન આવી રહયાં છે. પાર્ટી તરફથી તેમની સામે કોઇ કાર્યવાહી નહિ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. સચીન પાયલોટ જુથમાંથી ધારાસભ્યોને કેબીનેટમાં પણ સમાવવામાં આવશે. સચીન પાયલોટ જુથના ધારાસભ્યો સીએમ અશોક ગેહલોટને મળવા માટે પહોંચી ગયાં છે. 14મીએ મળનારા વિધાનસભા સત્રમાં હવે કોંગ્રેસ બહુમત સાબિત કરી દે તેવા ઉજળા સંજોગો છે.

Latest Stories