/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/phpThumb_generated_thumbnail-1-1.jpeg)
પુના પોલીસને મળેલી Emailમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીને ખતમ કરવાના કાવતરાના ઉલ્લેખ
મહારાષ્ટ્ર ભીમા-કોરેગાંવ હિંસાના આરોપીઓથી પોલીસને એક સંદિગ્ધ ઈમેલ મળ્યો છે. જેમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જેમ નરેન્દ્ર મોદીને ખતમ કરવાના કાવતરાના ઉલ્લેખ છે. મળતી માહિતી મુજબ, મેલમાં માઓવાદીઓએ વડાપ્રધાનના રોડ શોને નિશાન બનાવવાની વાત લખી છે. ઉલ્લેખનીય છે કે, ૧ જાન્યુઆરીના રોજ થયેલા હિંસાના મામલામાં થોડા દિવસોમાં કેરળ નિવાસી રોના વિલ્સન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપી ૧૪ જૂન સુધી પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ કોરેગાંવ હિંસામાં નક્સલીઓનો હાથ હોવાની વાત કહી ચૂક્યા છે.
ન્યૂઝ એજન્સીની માહિતિ મુજબ, પોલીસે માઓવાદીઓનું ઇન્ટરનલ કોમ્યુનિકેશન ઇંટરસેપ્ટ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ ૧૫ રાજ્યોમાં સરકાર બનાવી લીધી. આવી રીતે જ ચાલતું રહ્યું તો માઓવાદી દળો માટે મોટો ખતરો ઊભો થઈ જશે. કોમરેડ, મોદી રાજને ખતમ કરવા માટે કારગમ પગલા ઉઠાવે. અમે તેના માટે રાજીવ ગાંધીની સાથે થયેલી ઘટના વિશે વિચારી રહ્યા છીએ. શક્ય છે કે અમે સફળ ન થઈએ, પરંતુ સારી તક છે. તેમના રોડ શોને નિશાન બનાવવો યોગ્ય રહેશે.
પોલીસે ગુરુવારે કોર્ટમાં જાણકારી આપતા નરેન્દ્ર મોદીનું નામ ન લીધું, પરંતુ જે ઇમેલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેમાં 'રાજીવ ગાંધી જેવી હત્યા'ની વાત જરૂર લખી છે. પોલીસે પાંચ પત્ર પણ કોર્ટમાં રજૂ કર્યા. જેમાંથી એક રોના વિલ્સનના લેપટોપમાંથી મળ્યો છે.
આ મામલે CPI(M)ના નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, "જો આ પ્રકારની કોઈ વાત સામે આવી છે તો તેની યોગ્ય તપાસ થવી જોઈએ."
ઈમેલમાં શું લખ્યું છે?
૧૮ એપ્રિલે રોણા જેકબ દ્વારા કોમરેડ પ્રકાશને લખેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે, "હિંદુ ફાસિસ્મને હરાવવું હવે ઘણું જ જરૂરી થઈ ગયું છે. મોદીની આગેવાનીમાં હિંદુ ફાસિસ્ટ ઘણી ઝડપથી આગળ વધી રહ્યાં છે, એવામાં તેઓને રોકવા જરૂરી છે." વધુમાં લખવામાં આવ્યું છે કે, "મોદીની આગેવાનીમાં બીજેપી બિહાર અને બંગાળને છોડીને ૧૫થી વધુ રાજ્યોમાં સત્તા પર આવી ગઈ છે. જો આ રીતે આ ઝડપ આગળ વધતી રહી તો માઓવાદી પાર્ટીને ખતરો થઈ શકે છે. એટલે તેઓ વિચારી રહ્યાં છે કે એક વધુ રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી ઘટના કરવામાં આવે." "જો આવું થશે તો તે એક સુસાઈડ અટેક જેવું લાગશે. મને લાગે છે કે આપણી પાસે આવી તક છે. મોદીના રોડ શોને ટાર્ગેટ કરવો તે એક સારો પ્લાન હોય શકે છે."
પોલીસે આરોપીઓને અરબન નકસલ ગણાવ્યાં
ગુરૂવારે પુણે પોલીસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રવીન્દ્ર કદમે ભીમા-કોરેગાંવ હિંસામાં પકડાયેલાં 5 આરોપીઓને CPI-માઓવાદીના સભ્ય ગણાવ્યા હતા. પોલીસે તેઓને અરબન નકસલ અને ટોપ અરબન માઓવાદી ગણાવ્યાં છે. એવો પણ ખુલાસો થયો છે કે હિંસામાં નક્સલીઓના પૈસાનો ઉપયોગ થયો હતો. દરોડા દરમિયાન જપ્ત થયેલાં દસ્તાવેજ આ અંગેના પુરાવા છે.