રાજ્યસભા ચૂંટણી સમયે અહેમદ પટેલે કરેલી અરજીની SCમાં સુનાવણી

New Update
રાજ્યસભા ચૂંટણી સમયે અહેમદ પટેલે કરેલી અરજીની SCમાં સુનાવણી

બળવંતસિંહની હાઈકોર્ટમાં કરાયેલી અરજીને પડકારતી પીટિશન અહેમદ પટેલે સુપ્રીમ કોર્ટમાં કરી હતી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના વિજયને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી નહીં કરવાનો નિર્દેશ આપવા બાબતે સુપ્રિમ કોર્ટમાં અહેમદ પટેલે કરેલી અરજીની સુનાવણી હવે આગામી સોમવારે હાથ ધરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય.ચંદ્રચુડની બેન્ચ અહેમદ પટેલની ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી સામે ડિસમિસ પીટિશન અંગે 9 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂત સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનો વિજય થયો હતો. ભારે રસાકસી સાથેની રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ ભોળાભાઈ ગોહીલ અને રાઘવજી પટેલના મત રદ કર્યા હતા. જેને પગલે જીત માટે જરૂરી મતોની સંખ્યા 45થી ઘટીને 44 થઈ ગઈ હતી.

ગુજરાતની રાજ્યસભા બેઠક પર અહેમદ પટેલનો વિજય થતાં જ બવળવંત સિંહ રાજપૂતે ચૂંટણી પંચ દ્વારા બે બળવાખોર ધારાસભ્યોના મત અયોગ્ય ઠેરવવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં પીટિશન ફાઈલ કરી હતી. જો આ મતો ગણતરીમાં લેવાયા હોત તો રાજપૂતનો વિજય થયો હોત તેમ તેમણે અરજીમાં જણાવ્યું હતું. આ ઉપરાંત બળવંત સિંહે અરજીમાં એમ પણ જણાવ્યું કે, મતદાન અગાઉ પટેલ ધારાસભ્યોને બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં લઈ ગયા હતા અને તેમને પ્રલોભન અપાયું હતું. પટેલે સુપ્રીમમાં કરેલી અરજીમાં બળવંતસિંહે હાઈકોર્ટમાં કરેલી અરજી રદ્દ કરવા અપીલ કરી છે કારણ કે કાયદા મુજબ આ અંગેની એટેસ્ટેડ કોપી પ્રતિવાદીને મોકલવાની હોય છે જે તેમણે મોકલી ના હતી. હાઈકોર્ટે પટેલની અરજી ફગાવતા હવે સુપ્રીમ કોર્ટમાં આ અંગે આગામી સોમવારે સુનાવણી થશે.

Latest Stories