વડોદરામાં નવ પરિણીતા મૃત્યુ કેસ, ઝેર પીવાથી મોત થયાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો

New Update
વડોદરામાં નવ પરિણીતા મૃત્યુ કેસ, ઝેર પીવાથી મોત થયાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો

વડોદરાના સમા રોડ ખાતે રહેતા યુવાન સાથે હાલોલની યુવતીનાં 15 દિવસ પહેલાં લગ્ન થયા હતા. બાદમાં ગત સોમવારે રાત્રે પતિનું ઘર છોડીને નીકળી ગયેલી યુવતીની લાશ 35 કલાક પછી નજીકમાં જ આવેલા અવાવરૂ મકાનમાંથી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીએ ઝેર પીધું હોવાનું સામે આવ્યું છે. એક તબક્કે મૃતક પરિણીતાના અફેરની પણ વાત સામે આવી હતી ત્યારે તેના પિતરાઇ ભાઇ હિતેશે જણાવ્યું હતું કે, મારી બહેન કરુણાને કોઇની સાથે અફેર હોવાની વાત ખોટી છે. જે વ્યક્તિની વાત થાય છે તે તો કરુણાના ભાઇ જેવો છે.

પંચમહાલ જિલ્લાના દેલોલ પાસેના કંડાચ ગામની કરુણા નગીન પટેલના વડોદરાના સમા વિસ્તારમાં આવેલી વ્રજધામ સોસાયટી ખાતે રહેતા જયેશ મહેશ પટેલ સાથે ગત તારીખ 13મેના રોજ ફૂલહાર કરી સાદાઈથી લગ્ન થયા હતા. લગ્ન બાદ ત્રણ દિવસ સુધી કરુણા પતિ જયેશના ઘેર રોકાઇ હતી. ત્યારબાદ પિયર ગઇ હતી. ત્રણ દિવસ રોકાયા બાદ ગત રવિવારે બપોરે તેનાં માતાપિતા તેને જયેશના ઘેર મૂકી ગયાં હતાં. દરમિયાન, સોમવારે સાંજે કરુણા સાસરીમાંથી નીકળી ગઇ હતી. પતિ જયેશ અને સાસુ- સસરાને જાણ થતાં તેમણે તપાસ કરી હતી. પણ તેનો પતો મળ્યો ન હતો. જેથી કરુણાના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. જો કે બુધવારે સવારે 9 વાગ્યાના અરસામાં વ્રજધારા સોસાયટીની પાછળ 500 મીટર દૂર આવેલ આનંદવન સોસાયટીના અવાવરુ મકાનમાંથી ઊંધી પડેલી હાલતમાં કરુણાની લાશ મળી હતી. જેનું પ્રાથમિક તપાસમાં ઝેરી દવા પીવાને કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

Latest Stories