/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/1529566269_jignesh_agnipath.jpg)
લોહી લુહાણ હાલતમાં યુવક પોલીસ ચોકીમાં પહોંચ્યો, કોમી તોફાનોને નવો વળાંક
વડોદરાના ન્યાયમંદિર દૂધવાળા મહોલ્લા નજીક થયેલા તોફાન પછી મોડીરાત્રે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતા એકલ દોકલ વ્યક્તિને ઘેરીને હુમલા કરવાના બનાવો બની રહ્યા છે. ગઇ મોડી રાત્રે પણ યાકુતપુરામાંથી પસાર થતા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ગઇ ૧૬મી તારીખે થયેલા કોમી તોફાન પછી શહેરમાં અરાજકતાનો માહૌલ છે. કાલુપરામાં ત્રણ બાઇકસવારો પર હુમલા થયા ત્યારબાદ ગઇરાત્રે શાસ્ત્રીબાગ અને વાડી તાઇવાડા પાસે વાહનચાલકો પર હુમલા અને મંગળવારની મોડીરાત્રે યાકુતપુરા સરસીયા તળાવ પાસે બાઇકસવાર પર જીવલેણ હુમલો થયો હતો.
આજવા રોડની જયમહાકાળી સોસાયટીમાં રહેતો કપિલ રમેશભાઇ મોરે સિવિલ કોન્ટ્રાકટર છે. રાત્રે સાડા દશ વાગ્યે એકટીવા લઇને સલાટવાડામાં મિત્રોને મળવા ગયો હતો. રાત્રે સલાટવાડાથી અડાણિયા પુલ થઇને ઘરે આવતો હતો. રાત્રે એક વાગ્યે સરસીયા તળાવ પાસે ટોળુ ઉભુ હતું.
ટોળાએ કપિલ મોરેને રોકીને લોખંડની પાઇપો તથા લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ માથામાં, નાક પર ડાબી આંખ પર તેમજ જમણા હાથે અને છાતીમાં ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ બાઇક લઇને ઇજાગ્રસ્ત હાલતમાં કપિલ ફતેપુરા પોલીસચોકી ગયો હતો અને પોલીસ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગઇ હતી. બનાવ અંગે સીટી પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાત્રે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવે તો આવા બનાવો અટકી શકે તેમ છે.