સુરત શહેરના રેલ્વે સ્ટેશન નજીક ખાંડ બજાર વિસ્તારમાં આવેલા રેલ્વે ગરનાળાની ભારે ભરખમ ગડર અચાનક તૂટી પડતા ટ્રક ચાલક સહિત અન્ય એક આધેડને ગંભીર ઇજા પહોચી હતી. જોકે ગડર તૂટી પડતા રેલ્વે પ્રશાસનની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરત શહેરમાં અંડરપાસ તેમજ ગરનાળા હંમેશા વિવાદમાં રહેતા હોય છે. તેવામાં ખાંડ બજાર નજીક આવેલા રેલ્વે ગરનાળાની ભારે ભરખમ વજનદાર ગડર તૂટી પડતા ટ્રક ચાલક અને રોડની સાઈડમાં બેસી મોચી કામ કરતા એક આધેડને ગંભીર ઇજા પહોચી હતી, ત્યારે આધેડના પગ પર ગડર પડતા તેના બન્ને પગ કપાઈ ગયા હતા.
સમગ્ર બનાવની જાણ થતાં જ નજીકથી પસાર થતાં સુરત મેયર સહિત પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. રેલ્વે ગરનાળાના ગડરની વાત કરવામાં આવે તો આ ગડર થોડા સમય પહેલા પણ તૂટી પડી હતી. જોકે ગડરના રિપેરિંગનું કામ મજબૂતાઈથી ન થયું હોવાથી ગડર ફરી એક વાર પડી હતી, ત્યારે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે.