Connect Gujarat
ગુજરાત

આકાશીય વિજળી અંગેની જરૂરી જાણકારી સાથે પ્રજાજનોને તેમનું જીવન સુરક્ષિત બનાવવા માટે સતર્ક રહેવા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલની જાહેર અપીલ

આકાશીય વિજળી અંગેની જરૂરી જાણકારી સાથે પ્રજાજનોને તેમનું જીવન સુરક્ષિત બનાવવા માટે સતર્ક રહેવા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલની જાહેર અપીલ
X

વાવાઝોડા સાથે વિજળી થતી જોવામાં આવે ત્યારે તેની સામે સલામતી માટેના જરૂરી પગલાંઓ અનુસરવા જિલ્લા આપત્તિ વ્યવસ્થા પન તંત્રનો અનુરોધ.

ચોમાસાની ઋતુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદને લીધે વિજળી ત્રાટકવાની બનતી ઘટનાઓ સામે સ્વ-રક્ષણ મળી રહે તે અંગે આકાશીય વિજળી વિશે જરૂરી જાણકારી મેળવવાની સાથોસાથ પ્રજાજનોને તેમનું જીવન સુરક્ષિત બનાવવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે આવા સમયે રાખવાની થતી સાવચેતી સાથે લોકોને સતર્ક રહેવા જાહેર અપીલ કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વાવાઝોડું અને વિજળી મોટે ભાગે એક સાથે જ થાય છે. અને વિજળીના ઝબકારામાં ૧,૨૫,૦૦૦,૦૦૦ વોલ્ટ જેટલી હોય છે, જે ૧૦૦ વોટના વિજળીના બલ્બને ત્રણ મહિનાથી વધુ ચલાવવા માટે અથવા તો કોઇને ગંભીર ઇજા પહોંચાડવા માટે અથવા કોઇનું મોત નિપજાવવા માટે પૂરતું ગણાય છે. તેથી વાવાઝોડા અને વિજળીના બનાવ-ઘટના વખતે કેવા પગલાં લેવા તેની જાણકારી લોકોનું જીવન બચાવવામાં મદદરૂપ થાય છે.

વિજળી એવી બાબત છે કે તેના પ્રત્યે બેદરકાર રહેવું ન જોઇએ અને તેથી જ આવા પ્રસંગે તાત્કાલિક સલામત આશ્રય શોધવું જરૂરી છે. વિજળી પોતાના માર્ગમાં આવતી કોઇપણ વસ્તુ ઉપર પર ત્રાટકતી હોય છે અને ત્રાટકે પણ છે. એટલે વિજળી થતી જોવામાં આવે ત્યારે તેની સામે સલામતીનાં જરૂરી પગલાંઓ અનુસરવા પણ જાહેર અનુરોધ કરાયો છે. તદ્દઅનુસાર વાવાઝોડું અને વિજળી ત્રાટકે ત્યારે જો વ્યક્તિ ઘરમાં જ હોય તો ઘરમા જ રહેવું જોઇએ અને ઘરની અંદર જતા રહેવું જોઇએ. વિજળીનો કડાકો સંભળાય તો અનિવાર્યપણે જરૂરી ન હોય તો બહાર ન જવા અને બારી-બારણા અને વિજળીના ઉપકરણોથી દુર રહેવા, વિજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવા અને આવી બાબતોમાં ભઠ્ઠા, રેડીયેટર, ચૂલા, ધાતુની નળી, સિન્ક અને ફોનથી દૂર રહેવા, વાવાઝોડું/ તોફાન આવતું હોય તે પહેલાં જ ઉપકરણોને વાયરમાંથી કાઢી નાંખવાં.

પરંતુ તોફાન દરમિયાન આવું ન કરવાં, ટી.વી, મ્યુઝિક સિસ્ટમ, મિકસચર-બલેન્ડર, ઇસ્ત્રી, હેર ડ્રાઇવર અથવા ઇલેકટ્રીકલ રેઝર જેવા વિધુત ઉપકરણો જેનો સંપર્ક પ્લગ સાથે ચાલુ હોય તેનો ઉપયોગ ન કરવા જોઇએ. વિજળી ઘર પર પડે તો તેનો વિજભાર વહન થઇને આપના સુધી પહોચી શકે છે. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ ન કરવા, બહાર આવેલી ટેલીફોન લાઇન પર વિજળી ત્રાટકી શકે છે, જેથી ખાસ આકસ્મિકતા હોય તે પુરતો જ ટેલીફોનનો ઉપયોગ કરવા અને સિન્ક, બાથ તથા નળ સહિત નળીઓનો સંપર્ક ટાળવા પણ જણાવાયું છે.

વાવાઝોડું અને વિજળી ત્રાટકે ત્યારે જો આપ ઘરની બહાર હોવ તો વિજળીથી બચી શકાય તેવો આશ્રય શોધવા અને આશ્રય માટે મકાનો ઉત્તમ સ્થાન ગણાય છે. પરંતુ આવુ કોઇ મકાન આસપાસમાં ન મળે તો કોઇ બખોલ, ખાઇ અથવા ગુફામાં રક્ષણ મેળવવું. વૃક્ષો યોગ્ય આશ્રય ગણાય નહી. ઉંચા વૃક્ષો વિજળીને આકર્ષે છે તેથી વૃક્ષોનો આશ્રય કયારેય લેવો નહી. જો મુસાફરી કરતા હોવ તો પોતાના વાહનમાં જ રહેવું જોઇએ. વાહનો વિજળીથી સૌથી સારૂ રક્ષણ પુરૂ પાડી શકે છે.

છાપરૂ મજબુત હોય તેવી કાર/વાહનમાં રહેવું જોઇએ. જો આશ્રય ન મળી શકે તો વિસ્તારમાંના ઉંચા માળખામાં આશ્રય લેવો નહીં. આસપાસમાં માત્ર એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઉંચાઇથી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય લેવો હિતાવહ ગણાય. આસપાસમાં જમીનના અંતરથી વધુ ઉંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળવાની સાથે લોકોના ટોળામાં રહેવાને બદલે છૂટા છવાયા વિખેરાઇ જવા, ધાતુનુ આવરણ ધરાવતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો નહી અને બાઇક અથવા ટેલીફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વગેરે સહિત ધાતુની ચીજવસ્તુઓથી દૂર રહેવા, પાણીની બહાર નિકળવા એટલે કે હોડીમાંથી તાત્કાલિક બહાર નિકળીને પુલ, તળાવો અને અન્ય જળાશયોથી દૂર રહેવા પણ જણાવાયું છે.

વધુમાં જયારે વ્યકિતના માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે વિજળી વ્યકિતની આસપાસ ત્રાતકશે તેમ સમજી તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા તેમજ જમીન પર ન સૂવા અને જમીન પર હાથ ન ટેકવવા, વિજળીનો આંચકો લાગેલી વ્યકિતને જરૂર જણાય તો સી.પી.આર. ( કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની સાથે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી જોઇએ. આગ લાગે તો તેને બુઝાવવાનો પ્રયાસ કરવા અને વહિવટીતંત્રની મદદ લેવા તેમજ ઇજાઓ માટે પ્રાથમિક સારવાર મેળવવા ઉપરાંત અન્યોને પણ મદદ કરવા નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર તરફથી જાહેર અનુરોધ કરાયો છે.

Next Story