/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-461.jpg)
આમોદ તાલુકાના વાતરસાથી ભરૂચ તાલુકાના ટંકારીયા ગામને જોડતો માર્ગ ખખડધજ બનતા વાહનચાલકો તેમજ શાળામાં અભ્યાસાર્થે જતા બાળકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
રાષ્ટ્રના વિકાસના નિર્માણમાં મુખ્ય ત્રણ પરિબળો ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે. માર્ગ, પાણી અને વીજળી આ ત્રણ પરિબળો વિના રાષ્ટ્ર તથા ગામનો વિકાસ શક્ય જ નથી. વાત કરીએ આમોદ તાલુકાના છેવાડાના વાતરસા ગામની તો વાતરસા ગામથી ભરૂચ તાલુકાના ટંકારીયાને જોડતો સાડા ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.
આ માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતાં વાહનચાલકો માટે આ માર્ગ શિરોવેદના સમાન બની જવા પામ્યો છે આ માર્ગ પરથી અંદાજિત દસ જેટલા ગામોના લોકો વાયા ટંકારીયા થઈ રોજિંદા ભરૂચ કામકાજ અર્થે જતા હોય છે. વાતરસા ગામના બાળકો પણ શાળામાં અભ્યાસાર્થે જતા આ માર્ગનો ઉપયોગ કરતા હોય માર્ગ બિસ્માર હોવાને કારણે શાળાએ સમયસર પહોંચી શકતા નથી.
ગતરોજ થોડો વરસાદ પડતા માર્ગ પરથી જઈ રહેલી એસ ટી બસ કાદવમાં ખૂંપી જતા ફસાઈ ગઈ હતી તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા નવ વર્ષથી માર્ગનું રિનોવેશન કરાયું નથી તેમજ તાલુકા જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગનું રીનોવેશન કરાતું ન હોવાના પણ આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. હાલ ચોમાસાની ઋતુ બેસી રહી હોય સંબંધિત ખાતા દ્વારા માર્ગનું સમારકામ હાથ ધરાય એવી ગ્રામજનો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે. જો માર્ગનું સમારકામ હાથ નહીં ધરાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.