/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/cricket.jpg)
ઇંગ્લેન્ડ ખાતે યોજાઇ રહેલા આઇસીસી વન-ડે વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે 'બ્લોકબસ્ટર' મુકાબલો ખેલાશે. આ મુકાબલાને લઇને ચાહકોમાં રોમાંચની ઈંતેજારી ચરમ સીમાએ પહોંચી ગઇ છે. આજે ૩ વાગ્યાથી ક્રિકેટનો મુકાબલો શરૃ થતાં જ 'સ્વંયભૂ' કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળશે. જો કે આજે રવિવાર પણ હોવાથી કેટલાક શહેરો સ્વયંભૂ બંધ અને સૂમસામ નજરે પડી રહ્યા છે.
એક તરફ ક્રિકેટ ફીવર અને બીજી તરફ માંચેસ્ટરમાં મંડરાતો વરસાદનો ભય ક્રિકેટ ચાહકોને નિરાશ કરી શકે છે. 2019નો ક્રિકેટ વર્લ્ડ કપ અત્યાર સુધી વરસાદના વિઘ્ન વચ્ચે આગળ ધપી રહ્યો છે. જો કે આજે સમગ્ર વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ મેચ યોજાવા જઇ રહી છે એ પૂર્વે વરસાદ વિલન બનવાના અનુમાન સેવાઈ રહ્યા છે.
દુનિયાભરના ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપની ફાઇનલ માટે જેટલી રાહ જોતા હશે તેનાથી વધારે આતુરતાથી રાહ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે જોતા હોય છે. બપોરે ૩ વાગ્યાથી શરૂ થનારી આ મેચ દરમિયાન જો વરસાદ મહેરબાન ન થાય તો જ રમાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામા આવે છે. જ્યાં આ મેચ રમાવાની છે તે માન્ચેસ્ટર સિટીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે આવામાં આજે પણ વરસાદ પડવાની સંભાવના નકારી શકાય તેમ નથી.
વર્લ્ડ કપ ૨૦૧૯માં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો થવાનો છે. પરંતુ, વરસાદ પડવાની સંભાવના હોવાથી મેચ રદ પણ થઈ શકે તેમ છે. આ પહેલા ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે થનારી મેચ પણ શરૂ થતાં પહેલાં જ રદ થઈ હતી. એવામાં જો આજની મેચ રદ થશે તો સ્પોન્સર્સ સ્ટાર સ્પોર્ટ્સને મીનીમમ ૧૫૦ કરોડનું નુકશાન થવાનું પણ અનુમાન છે.
આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વરસાદના કારણે કુલ ૪ મેચ રદ કરવામા આવી છે. આ ૪ મેચ રદ થવાથી સ્ટાર સ્પોર્ટ્સને પહેલાં જ ૧૦૦ કરોડ જેટલાનું નુકશાન થઈ ચૂક્યું છે. અને આજે યોજાનાર ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદનું વિઘ્ન નડશે તો કરોડોનું નુકશાન સ્પોંસોર્સને થશે.