"ઈન્ટરનેશનલ ટાઈગર ડે” : પાનમના જંગલોમાં મહેમાન બનેલો વાઘ એક ઈતિહાસ બની ગયો

New Update
"ઈન્ટરનેશનલ ટાઈગર ડે” : પાનમના જંગલોમાં મહેમાન બનેલો વાઘ એક ઈતિહાસ બની ગયો

વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે.

આજે ૨૯મી જુલાઈ એટલે "ઈન્ટરનેશનલ ટાઈગર ડે " છે. સામાન્ય રીતે વાઘની વસ્તી ભારતમાં સારા પ્રમાણમાં છે. પરંતુ ગુજરાત સાથે પણ વાઘનું કનેકશન રહી ચુક્યુ છે. મહિસાગર અને પંચમહાલની સરહદે આવેલા પાનમ વિસ્તારના જગંલોમાં વાઘ જોવા મળ્યો હતો. આપણું કમનસીબ એ છે કે આ વાઘ થોડા દિવસો પછી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો.

જુઓ ગુજરાતમાં વાઘ દેખાવાની ઘટના શું હતી.

પંચમહાલ અને મહિસાગર જિલ્લાની સરહદની વચ્ચે આવેલુ જંગલ પાનમના જંગલ તરીકે ઓળખવામાં આવે છે. અહી આવેલી શહેરા તાલુકાની ગુગલીયા પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષક મહેશ કુમાર મહેરા પોતે ૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે સાંજના સમયે શિક્ષક તરીકેની પોતાની ફરજ પુર્ણ કરી પોતાના ઘર તરફ જઈ રહયા હતા. તે સમયે ગઢ ગામ પાસેના જંગલમા તેમને વાઘ પસાર થતો દેખાયો. અને તેમને ગાડી ઉભી રાખીને ફોટા પાડી તેમના મિત્રોને મોકલ્યા અને વન વિભાગને પણ જાણ કરી.પાનમના જંગલમા મહેમાન બનેલો વાઘના એક બાજુ ફોટા વાયરલ થઈ ગયા અને મિડિયામાં પણ સમાચારો છપાયા તેમજ આ વાઘને શોધવા માટે વન વિભાગે પણ તપાસ હાથ ધરી હતી. પંચમહાલ અને મહિસાગરના વન વિભાગના ઓફીસરો, કર્મીઓ વાઘને શોધવા કામે લાગ્યા હતા કારણ કે ગુજરાતમાં વાઘ દેખાવાની ૩૫ વર્ષ બાદની આ પહેલી ઘટના હતી. આ વાઘને જગલમાં શોધવા માટે નાઈટ વિઝન કેમેરા પણ ગોઠવામાં આવ્યા હતા. અને ત્યાંથી ૩૦ કી.મી.સંતરામપુર તાલુકાના સંત માતરોના જંગલમાં તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આ વાઘ નાઈટ વિઝન કેમેરામાં દેખાતા વાઘ હોવાની પુષ્ઠી કરવામાં આવી હતી. ગુજરાતમાં વાઘ દેખાવાની ઘટનાના સમાચારો ટોપ બન્યા હતા. આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકો તો આ વિસ્તારને અભયારણ જાહેર કરવાની માંગ પણ કરતા હતા. આ વાઘ દિવસો દરમિયાન માનવ વસવાટોમાં ફરી દેખાવાની ઘટના પણ જોવા મળી હતી.

વાઘ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો.

આ વાઘ દેખાવાની ઘટનાને લઈને વનપ્રેમીઓમાં ભારે આનંદની લાગણી હતી. પણ તેમના માટે માઠા સમાચાર ત્યારે જ આવ્યા જ્યારે વાઘ મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સિગ્નલી ગામ પાસે આવેલા કંતારના જંગલોમાં ઝાડી ઝાંખરામાં ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ મૃત હાલતમાં મળી આવતા હાહાકાર મચ્યો હતો. તે જગ્યાએ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ અને વિસેરા લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વાઘનું મોત ભુખમરાને લીધે થયું હોવાનું બહાર આવ્યુ હતુ. આ વાતને આજે પણ વનપ્રેમીઓ માનવા તૈયાર નથી. આ વાઘને ઝેરી પદાર્થ આપીને મારી નાખવામાં આવ્યો હોવાની વાતો પણ વહેતી થઈ હતી. પણ સત્ય એ પણ હતુ કે ગુજરાતનો મહેમાન બની આવેલો આ વાઘ મહેમાન જ બની રહયો.વાઘને બચાવવા અને એની જાળવણી અને લુપ્ત થતાં બચાવવા માટે સેન્ટ પીટ્સબર્ગમાં વર્ષ ૨૦૧૦ માં યોજાયેલી ટાઈગર સમિટમાં ૨૯ જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તરે વાઘની જાળવણી અને તેને બચાવવા માટેના ઉપાયો લોકો સુધી પહોંચાડવા અને લોકોની સહ ભાગીદારીથી વાઘને લુપ્ત થતાં બચાવવાનો છે.