Top
Connect Gujarat

ઈસરોની સૌપ્રથમ માનવયુક્ત અંતરિક્ષ યાન મોકલવાની તૈયારી,

ઈસરોની સૌપ્રથમ માનવયુક્ત અંતરિક્ષ યાન મોકલવાની તૈયારી,
X

ગુજરાત મહત્વની ભૂમિકામાં

ફેબ્રુઆરી ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨માં બે માનવરહિત ગગનયાનને પ્રયોગના ભાગરુપે અંતરિક્ષમાં મોકલાશે.

ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) એ ૨૦૨૨માં સુધીમાં અંતરિક્ષમાં પ્રથમ માનવયુક્ત યાન મોકલવાની રુપરેખા તૈયાર કરી દીધી છે. યોજના અનુસાર ૨૦૨૨ સુધીમાં ભારત ત્રણ અંતરિક્ષ યાત્રી સાથે પોતાનું પહેલું યાન મોકલશે. આ યોજના પાછળ લગભગ ૧૦ હજાર કરોડનો ખર્ચ થશે. ઈસરોનું અનુમાન છે કે આ મિશન દરમિયાન લગભગ ૧૫૦૦૦ નવી નોકરીનું સર્જન થશે. માનવયુક્ત અંતરિક્ષ યાન મોકલવાની પ્રાથમિક તૈયારી વર્ષ ૨૦૦૪થી ચાલી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગષ્ટના રોજ લાલ કિલ્લા પરથી આ યોજના અંગેની જાહેરાત કરી હતી. વડાપ્રધાનની આ જાહેરાતના ફક્ત ૧૩ દિવસ દરમિયાન ઈસરો એ અંતરિક્ષમાં ભારતના પ્રથમ માનવયુક્ત યાન મોકલવાના આખા પ્લાનને દેશ સમક્ષ રજૂ કરી દીધો છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ૨૦૨૨માં ભારત જ્યારે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવશે, ત્યારે દેશનો કોઈ દિકરો કે દિકરી અંતરિક્ષમાં પ્રથમ પગલું મૂકશે.

ઈસરો દ્વારા અંતરિક્ષમાં મોકલમાં આવનાર યાનને ‘ગગનયાન’ નામ આપવામાં આવ્યું છે.૧૫ ઓગષ્ટ ૨૦૨૨ સુધીમાં કે આ પહેલાં ગગનયાન અંતરિક્ષમાં મોકલવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. લક્ષ્ય અનુસાર પહેલા ત્રણ અંતરિક્ષયાત્રીને ૫ થી ૭ દિવસ માટે અંતરિક્ષમાં મોકલાશે. ગગનયાન ધરતીની સપાટીથી ૩૦૦-૪૦૦ કિલમીટર દૂરની કક્ષામાં સ્થાપિત કરાશે.

માનવયુક્ત ગગનયાન મોકલવા પહેલાં, ફેબ્રુઆરી ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨માં બે માનવરહિત ગગનયાનને પ્રયોગના ભાગરુપે અંતરિક્ષમાં મોકલાશે.

વડાપ્રધાન કાર્યાલયના પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિભાગના રાજ્યપ્રધાન ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, વડાપ્રધાને લાલકિલ્લા પરથી જાહેરાત કરી છે. આ આપણી મોટી સિદ્ધ હશે અને એની તૈયારી જલદી પુરી કરી દેવાશે.

આખા દેશની નજર રહેશે કે અંતે ભારતના પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ યાનમાં એ ત્રણ કોણ યાત્રી હશે, જેમને અંતરિક્ષમાં જવાનો અવસર મળશે. ઈસરોના કહેવા અનુસાર આ અંગે નિર્ણય લેવાયો નથી. ઈસરોના ચેરમેન કે.શિવમ એ કહ્યું કે, ભારતનો આ પ્રથમ પ્રયોગ છે, એટલે કોશિશ રહેશે કે કોઈ તજજ્ઞને અંતરિક્ષમાં મોકલવામાં આવે. પાયલોટ કે એન્જિનિયર જેવા લોકો આમાં સામેલ હોઈ શકે છે. ત્યારબાદ અંતરિક્ષમાં આમ માનવી પણ જઈ શકશે. હા, અંતરિક્ષમાં પ્રથમ ત્રણ યાત્રી જશે, એમને બે થી ત્રણ વર્ષ સુધીની ટ્રેનિંગ આપવામાં આવશે.

ઈસરોની યોજના અનુસાર ૭ ટન વજન, ૭ મીટર ઊંચુ અ્ને ૪ મીટર વ્યાસની ગોળાઈમાં ગગનયાનને જીએસએલવી(એમકે ૩) રોકેટથી અંતરિક્ષમાં મોકલાશે. જે ૧૬ મિનિટમાં જ અંતરિક્ષની કક્ષામાં પહોંચી જશે.

ભારત માનવયુક્ત અંતરિક્ષ યાન મોકલવાના મિશનમાં સફળ થશે, તો એ દુનિયાનો ચોથો દેશ બનશે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન એ પોતાના માનવયુક્ત યાન મોકલવામાં સફળતા મેળવી છે. પાંચ-સાત દિવસ અંતરિક્ષમાં રહ્યાં બાદ યાન અંતરિક્ષ યાત્રીઓને લઈને અરબસાગરમાં ગુજરાતના કિનારે ઉતરશે. જોકે, વિકટ પરિસ્થિતિમાં બંગાળની ખાડી કે જમીન પર ઉતારવાનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. અંતરિક્ષ યાત્રી ગુરુત્વાકર્ષણની સૂક્ષ્મ પ્રક્રિયાઓના વૈજ્ઞાનિક અભ્યાસ કરશે.

Next Story
Share it