ગાંધીનગરના દહેગામની યુવાન પરિણીતાના આપઘાત મામલે સાસરી પક્ષ વિરુદ્ધ દુષ્પ્રેરણની પોલીસ ફરિયાદ નોંધાઈ

ગાંધીનગરના દહેગામ ખાતે રહેતી યુવાન પરિણીતાના અપમૃત્યુની ઘટના અંગે પોલીસે ફરિયાદ દર્જ કરીને તેણીના સાસરી પક્ષના સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર ગાંધીનગરના દહેગામના સૂર્યકેતુ સોસાયટીના મકાન નંબર 36માં રહેતા સિધ્ધાર્થસિંહ રાઠોડના ધર્મપત્ની મીનાક્ષીબેને ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવતર ટૂંકાવ્યુ હોવાની ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી હતી.
ઘટનાની જાણ થતાની સાથે જ મૃતક મીનાક્ષીના કાકા ગુલાબસિંહ ભગવાનસિંહ સુરસિંહ નાથાવત રહેવાશી ઇટાવા, ભોપજી, તાલુકો ચોમુ, જિલ્લો જયપુર, રાજસ્થાનના ઓ દહેગામ દોડી આવ્યા હતા. અને ઘેરા આઘાતમાં સરી પડયા હતા. બનાવમાં મીનાક્ષીના કાકાએ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી, જેમાં તેઓએ તેણીના સાસરી પક્ષના લોકોએ ત્રાસ આપીને આપઘાત માટે ઉશ્કેરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.પોલીસે તેઓની ફરિયાદ દર્જ કરી હતી અને મીનાક્ષીના મૃતદેહનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યુ હતુ.
મીનાક્ષીના કાકા એ પોલીસ મથકમાં જણાવ્યુ હતુ કે મીનાક્ષાએ શુક્રવારના રોજ સવારે પોણા આઠ વાગ્યા ના સુમારે પોતાના પિતા દશરથસિંહ ને ફોન કરીને મારા પતિ સિધ્ધાર્થસિંહ ખુબજ ત્રાસ આપતા હોવાનું જણાવ્યુ હતુ. અને સાસરી પક્ષના ત્રાસથી જ તેણીએ આ અંતિમ પગલુ ભર્યુ હોવાની ફરિયાદ તેઓએ કરી હતી.
વધુમાં જાણવા મળ્યા મુજબ મીનાક્ષીબેન જ્યારે ગર્ભવતી હતા અને પોતાના પિયરમાં ગયા હતા ત્યારે તેના સાસરી પક્ષના સભ્યો એ ખબર સુધ્ધા પુછી ન હતી.અને તેડવા પણ આવતા ન હતા. તેથી સાસરી પક્ષના શારીરિક અને માનસિક ત્રાસ જ ઘટના પાછળ કારણ ભૂત હોવાનું મૃતક મીનાક્ષીના પરિવારજનો કહી રહ્યા છે. પોલીસે ફરિયાદ બાદ મીનાક્ષીના પતિ સિધ્ધાર્થસિંહ, દિયર હર્ષસિંહ, યુવરાજ સિંહ, નણદોયા રામસિંહ ધરપકડ કરીને જેલભેગા કરી દીધા છે. જ્યારે ઘટનામાં અન્ય આરોપીઓ તેણીની નણંદ સાક્ષીબેન, પિન્કીબેન, હેમલતાબેન, સંતોકબેન, સાસુ મનહરબાની ધરપકડ માટેના પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.