Connect Gujarat
ગુજરાત

જામનગરઃ ખેડૂતોનો અનોખો વિરોધ, જમીન માપણીની અરજીની ઉતારી આરતી 

જામનગરઃ ખેડૂતોનો અનોખો વિરોધ, જમીન માપણીની અરજીની ઉતારી આરતી 
X

અરજીઓની આરતી ઉતારી, અગરબત્તી કરી જમીન માપણી અધિકારી પાસે જમા કરાવી નવતર વિરોધ કરવામાં આવ્યો

જામનગર નજીક ખંભાળિયામાં જમીન માપણીમાં 100 ટકા ભૂલો છે એવું ખેડુત હીત રક્ષક સમિતિ છેલ્લા પાંચ વરસથી કહેતી આવી છે. આ ખોટી રીતે થયેલી જમીન માપણી રદ્દ થવી જ જોઈએ એવી સતત માંગ પણ કરતી આવી છે. ખેડૂતોની સતત લડતના ફળ સ્વરૂપે સરકારે 2 ગામો પસંદ કરી તેમની ફરીથી માપણી કરાવી તેમના રિપોર્ટ તૈયાર કર્યા અને એ જે રિપોર્ટ આવ્યા જે ચોંકાવનારા આવ્યા છે. એમાં તો 100 ટકા કરતા પણ વધારે ભૂલો હોવાનું બહાર આવ્યું છે. છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

સરકારે ફરીથી માપણી સરકારના જ સર્વેયરો પાસે કરાવી, કંપનીએ કરેલી માપણી અને સરકારે કરેલા સેમ્પલ ટેસ્ટની સરખામણી પણ સરકારે જ કરી ને એના રિપોર્ટ પણ સરકારે જાહેર કર્યા. એ મુજબ સરકાર જ કહે છે કે જમીન માપણીમાં 100% કરતા વધારે ભૂલો છે. બીજી બાજુ સરકાર ભૂલ ભરેલી આ ખોટી જમીન માપણી રદ્દ કરવાને બદલે ખેડૂતોને વાંધા અરજી કે ભુલ સુધારણા અરજી કરવા કહે છે ત્યારે સરકાર 100% ભૂલ છે તે સ્વીકારી જમીન માપણી રદ્દ કરવાને બદલે ખેડૂતોને વાંધા અરજી કરવાનો તઘલઘી આદેશ કરે છે તેના વિરોધમાં આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુખ્ય જમીન માપણી અધિકારીની કચેરીએ જઇ અનોખો વિરોધ કર્યો હતો.

સરકાર એક બાજુ એવી જાહેરાત કરે છે કે ખેડુત સાદા કાગળ પર સાદી અરજી કરશે. તો પણ માન્ય ગણાશે અને અહીં જમીન માપણી કચેરીમાંથી ખેડુતોના આસપાસના ખાતેદારો પાસેથી સંમતી પત્રક ફરજીયાત મંગાવવામાં આવે છે. જો ખેડુત સંમતિ પત્રક રજુ ન કરી શકે તો એમની અરજીનો નિકાલ ગણી અરજી દફતરે કરવામાં આવે છે. ખેડુત અરજીઓ કરી કરી ને થાક્યો છે. સરકારને કાઈ ફરક પડતો ન હોય આજે કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના તમામ ખેડુતોએ સાથે મળી આખા ગામની વાંધા અરજીઓ તૈયાર કરી જમીન માપણી અધિકારીની કચેરીએ જમા કરાવવા ગયા હતા. આ અરજીઓ જમા કરાવતા પહેલા વૃદ્ધ ખેડુતોએ અરજીઓને પોતાના માથા પર મૂકી ને લઇ ગયા હતા. એટલું જ નહીં પણ જમીન માપણી અધિકારીના ટેબલ પર અરજીઓનો થપ્પો કરી, આરતી ઉતારી, ધૂપ દિવા કરી, અગરબત્તી કરી ને પછી અધિકારીને આપી હતી. આ રીતે અરજીઓ કરી કરીને થાકી ગયેલા ખેડુતોએ કહેવત છે ને કે "હવે તો આરતી કરું તો થાય" એ મુજબ આજે અરજીઓની આરતી કરી હતી ને પછી અરજીઓ જમા કરાવી નવતર રીતે વિરોધ નોંધાવ્યો હતો.

Next Story
Share it