ઝઘડિયાઃ નદીના પ્રવાહમાં ST બસ તણાઈ, 17 મુસાફરોને પોલીસે બચાવ્યા

New Update
ઝઘડિયાઃ નદીના પ્રવાહમાં ST બસ તણાઈ, 17 મુસાફરોને પોલીસે બચાવ્યા

એસડીએમ અને મામલતદાર તરફથી કોઈ જવાબ ન મળતાં પોલીસ એક કિમી સુધી ચાલીને ગઈ

ભરૂચ જિલ્લામાં આજરોજ વરસેલા ભારે વરસાદને પગલે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. ત્યારે ઝઘડીયા-રાજપારડી વચ્ચે આવેલી નદીમાં મુસાફરો ભરેલી એશટીબસ તણાઈ હતી. આ બસમાં 17 મુસાફરો સવાર હોય તમામના જીવ રાજપારડી પોલીસની ટીમે જીવના જોખમે બચાવ્યા છે.

રાજપારડીના પીએસઆઈ પી.સી. સરવૈયાએ પોલીસે મામલતદાર અને એસડીએમને જાણ કરવા છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતાં પોલીસે કોઈપણ સેફ્ટીના સાધનો વિના જ તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા છે. આ બાબતની જાણ જિલ્લા પોલીસવડાને થતાં તેમણે રાજપારડીની પોલીસ ટીમની કામગીરીને બિરદાવી હતી અને એવોર્ડની પણ જાહેરાત કરી હતી.

ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ આજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. હાલમાં અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા માર્ગ ઉપર કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન રસ્તો ખરાબ થઈ જતાં વાહનવ્યવહાર ઉપર વ્યાપક અસર વર્તાયી હતી. આ દરમિયાન રાજપારડી-ઝઘડિયા વચ્ચે આવેલી એક ખાડીમાં 17 મુસાફરો ભરેલી બસ તણાઈ ગઈ હતી. આ સમયે ડ્રાયવર -કંડક્ટર સહિત તમામ મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતા.

બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે પોતાના ફોન મારફતે રાજપારડીનાં એખ પોલીસ કોન્સ્ટેબલનો સંપર્ક કર્યો હતો. દરમિયાન કોન્સ્ટેબલે પરિસ્થિતિ પારખી જતાં પીએસઆઈ પી.સી. સરવૈયાને જાણ કરી હતી. બાદમાં પોલીસે ઝઘડિયા મામલતદાર અને એસડીએમનો કંપર્ક કરી લાઈફ જેટેક અને રેસ્ક્યુ ટીમની માંગણી કરી હતી. જ્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે રસ્તો ધોવાઈ જતાં પોલીસની વાન પણ રસ્તામાં જ અટકી ગઈ હતી. બાદમાં અંદાજે એક કિલોમીટર સુધી પોલીસની ટીમ ચાલીને પહોંચી હતી. છતાં કંઈ નજરે ન પડતાં પીએસઆઈ સરવૈયાએ એખ વીજ થાંભલા ઉપર ચઢીને બસને શોધવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં જે મુસાફરનો ફોન આવ્યો હતો તેનો સંપર્ક કરતાં તેઓ બસના છાપરા ઉપર જ હોવાનું જણાવ્યું હતું.

મામલતદાર અને એસડીએમ તરફથી કોઈપણ મદદ ન મળતાં પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પાણીમાં છલાંગ મારી બસ સુધી પહોંચી ગયા હતા. તેમણે તમામ 17 મુસાફરો અને ડ્રાયવર કંડક્ટરને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. આ બાબતની જાણ જિલ્લા પોલીસ વડા સંદિપ સિંઘને થતાં તેમણે પોલીસ ટીમની કામગીરીને બિરદાવી હતી અને પુરષ્કારની પણ જાહેરાત કરી હતી.

આ સંદર્ભે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જિલ્લા પોલીસ વડા સંદિપ સિંઘે જણાવ્યું હતું કે, રાજપારડી પોલીસ મથકનાં પીએસઆઈ પી.સી. સરવૈયા અને તેમનાં 3 કોન્સ્ટેબલે આજે બહાદુરીનું કામ કર્યું છે. પોલીસનું કામા આમતો ક્વિક એક્શન લેવાનું જ છે પરંતુ આવા બહાદુરી વાળા કામ સમયસૂચકતા અને પોતાની સૂઝબુઝથી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા હોય છે. તેમની સિધ્ધિને સન્માનિત કરવા ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવશે.

Latest Stories