Connect Gujarat
દેશ

ટ્રકોની હડતાળના પાંચમા દિવસે બજારોમાં મોટી અસર, લોકોને હાલાકી

ટ્રકોની હડતાળના પાંચમા દિવસે બજારોમાં મોટી અસર, લોકોને હાલાકી
X

છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલી ટ્રાન્સપોર્ટર્સની દેશવ્યાપી હડતાળની વ્યાપક અસર વિવિધ બજારો પર દેખાવા માંડી છે. સુરત શહેરમાં અનાજ, કઠોળ, તેલ, ફળફળાદિ, શાકભાજી સહિત ઓનલાઈન ચીજવસ્તુઓનો સપ્લાય પણ અટકી ગયો છે, જેના લીધે દુકાનોમાં સ્ટોક ખૂટવા લાગ્યો હોય ગ્રાહકો પર ભાવવધારો તોળાઈ રહ્યો છે. વેપારીઓના મત અનુસાર ટ્રાન્સપોટર્સની હડતાળ હજુ બે દિવસ ચાલશે તો વિવિધ ચીજવસ્તુના ભાવ વધશે.

ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે ગુજરાતના ૯.૫ લાખ ટ્રક માલિકોએ અને દેશના ૭૫થી ૮૦ લાખ ટ્રકના માલિકોએ સંપૂર્ણપણે સ્વયંભૂ બંધની જેમ બંધ પાળવાનું પસંદ કર્યું છે.

ઓનલાઈન શોપિંગની ડિલીવરી માટે રોજ દોડતી ૫૦ ટ્રક અટકી

ઓનલાઈન શોપિંગના સામાનની ડિલીવરીની ૫૦ ટ્રક સહિત સુરત શહેર-જિલ્લામાં રોજ ૨૦૦૦ ટ્રક દેશભરમાંથી આવતી, જે હડતાળના લીધે ચાર દિવસથી આવી નથી. તમામ સામાનની હેરફેર બંધ છે. – સંજયભાઈ, કડોદરા મો.ટ્રા.એસો.ના પ્રમુખ

કડોદરા પર ટ્રકો અટકાવાઈ,સરકારની સદ્દબુદ્ધિ માટે આજે હવન

હડતાળ સમેટાઈ હોવાના ખોટા મેસેજ ફેલાયા હતા. સવારે હાઈવે પર દોડતી કેટલીક ટ્રકોને અટકાવવામાં આવી હતી. આ સાથે ટ્રક પકડાઈ તો ૧૧,૦૦૦નો દંડ વસૂલવા યુનિયનોએ નિર્ણય લીધો છે. આવતીકાલથી ડ્રાઈવરો માટે લંગરની વ્યવસ્થા કરાશે. દરમિયાન સુરતમાં આજે ભજિયાનો કાર્યક્રમ હતો. આવતીકાલે ભારતનગર ખાતે હવન રાખવામાં આવ્યો છે, જેથી સરકારને સદ્દબુદ્ધિ મળે.

અનાજ,કઠોળ, તેલનો સ્ટોક ખૂટયો, ભાવ વધે તેવી દહેશત

અનાજના વિક્રેતા ભરત ચલિયાવાલા કહે છે કે હાલ ઘરાકી ૧૦ ટકા હોય હજુ અસર વર્તાઈ નથી, પરંતુ બે દિવસમાં સ્થિતિ વણસશે. તેલના વેપારી રૃપેશ વોરાના જણાવ્યા અનુસાર ચાર દિવસથી તેલ આવ્યું નથી. હડતાળ વેળાસર નહીં સમેટાઈ તો ભાવ વધારવાની નોબત આવશે.

કાશ્મીરી સફરજન,યુપીની કેરીનો સપ્લાય બંધ

સુરત જિલ્લામાં રોજ ૨૫ ટ્રક ભરીને વિવિધ ફળફળાદીનો પુરવઠો ઠલવાતો હતો. હાલમાં સફરજન અને યુપીની કેરીની સિઝન હોય તેની માત્રા વધુ હતી. ચાર દિવસથી ફળનો સપ્લાય બંધ થયો છે. હવે તેના ભાવ વધે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે

Next Story