ડાંગ જિલ્લાના જનસેવા કેન્દ્રો ઉપર 1 ઓકટોબરથી ઈ-સ્ટેમ્પ વેચાણ કરાશે

બેંક મેનેજરો, સ્ટેમ્પ વેન્ડરો અને નોટરી સાથે બેઠક યોજાઇ.
સરકારના ડિજીટલ વ્યવહારોને પ્રોત્સાહન તેમજ પરંપરાગત સ્ટેમ્પ પેપરના વેચાણમાં તંગી, કૃત્રિમ અછત, કાળા બજારી, નકલી સ્ટેમ્પના વેચાણ, જુની તારીખમાં સ્ટેમ્પ પેપરનું વેચાણ અને છેતરપીંડી જેવી જોવા મળતી મુશ્કેલીઓ નિવારવા માટે ડાંગ જિલ્લામાં તા.૦૧/૧૦/૨૦૧૯ થી ફિઝિકલ સ્ટેમ્પના બદલે ઈ-સ્ટેમ્પ નું વેચાણ જનસેવા કેન્દ્રો ઉપરથી કરવામાં આવશે. જિલ્લા કલેકટર એન.કે.ડામોર ના અધ્યક્ષ સ્થાને આજરોજ કલેકટરની ચેમ્બરમાં ડાંગ જિલ્લાના લાયસન્સ સ્ટેમ્પ વેન્ડરો,લાયસન્સ નોટરીઓ સહિત તમામ બેંકના મેનેજરોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે સરકારએ તા.૧/૧૦/૨૦૧૯ થી ફિઝિકલ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવા સરકારે ઠરાવેલ છે. સ્ટેમ્પ વેન્ડરો અને નોટરીઓએ ઈ-સ્ટેમ્પિંગ લાયસન્સ મેળવવા ઝડપથી કાર્યવાહી કરવાની રહેશે. વધુમાં ડાંગ જિલ્લામાં આહવા,વધઈ અને સુબીર ત્રણે તાલુકાના જનસેવા કેન્દ્રો ખાતે તા.૦૧/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૯-૦૦ કલાક થી ઈ-સ્ટેમ્પનું વેચાણ કરવામાં આવશે. જાહેર જનતાએ ઈ-સ્ટેમ્પ મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર ખાતે સંપર્ક કરવાનો રહેશે.
જનસુવિધા કેન્દ્રો ઉપરાંત તમામ બેંકો દ્વારા પણ ઈ-સ્ટેમ્પ મળી રહે તેવી વ્યવસ્થા કરવા તમામ બેંક મેનેજરોને કલેકટર ડામોરે સૂચના આપી હતી. નિવાસી નાયબ કલેકટર ટી.કે.ડામોરે ઈ-સ્ટેમ્પીંગ કાર્યવાહી કેવી રીતે કરવી તેમજ રજુ કરવાના પુરાવાઓ અંગે સ્ટેમ્પ વેન્ડરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જે જે કચેરીઓ દ્વારા સોગંદનામા,કરાર માંગવામાં આવતા હોય તેવી કચેરીઓ દ્વારા અરજદારોને સ્ટેમ્પ પેપરના બદલે ઈ-સ્ટેમ્પિંગ કરાવવા જણાવાયું હતું. જે સ્ટેમ્પ વેન્ડરો પાસે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનો જથ્થો પડયો હોય તેઓ તા.૩૦/૦૯/૨૦૧૯ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી,આહવા ખાતે જમા કરાવી રીફંડ અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, મામલતદાર, આહવા, લીડ બેંક મેનેજર રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા તિજોરી અધિકારી વિનોદભાઈ પટેલ સહિત તમામ સ્ટેમ્પ વેન્ડરો ઉપસ્થિત રહ્યા હતા.