/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/bnbn.jpg)
તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ વિના, નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે ફરજનિયુક્ત અધિકારી, કર્મચારીઓને ખૂબ જ ચોકસાઈ અને સંવેદનશીલતા સાથે તેમની ફરજ બજાવવાની સૂચના કલેકટર આર. જે. હાલાણીએ આપી છે. પરીક્ષાના આયોજન અને વ્યવસ્થા સંબંધી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં માર્ગદર્શન આપતા કલેકટર આર. જે. હાલાણીએ આયોગ દ્વારા અપાયેલી પરીક્ષા સંબંધી તમામ સૂચનાઓનું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ જણાવી, પરીક્ષા કેન્દ્રોમાં વિજાણુ યંત્રોના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ જણાવ્યું હતું.
જિલ્લામાં નિષ્પક્ષ અને પારદર્શક રીતે પરીક્ષા સંપન્ન થાય તે જોવાની સૌની સહિયારી જવાબદારી છે, તેમ પણ આર. જે. હાલાણીએ જણાવ્યું હતું. જિલ્લાના પરીક્ષાર્થીઓ કોઈ પણ જાતના ભય, ગભરાટ કે ઉચાટ વિના નચિંતપણે પરીક્ષા આપી શકે તે માટે હાથ ધરવાની તમામ કાર્ય પદ્ધતિની વિસ્તૃત જાણકારી સાથે સમજ કેળવી લેવાની સૂચના સાથે પરીક્ષા કેન્દ્રો ઉપર સલામતી વ્યવસ્થા, સી.સી.ટીવી કેમેરા સહિત આનુષંગિક વ્યવસ્થાઓ બાબતે પણ સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમગ્ર બેઠક દરમ્યાન નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનીયાએ આયોગની સુચનાઓની વિસ્તૃત સમજ સાથે, બેઠકની કાર્યવાહી સંભાળી હતી. જિલ્લા શિક્ષણાધિકારી પટેલે પૂરક વિગતો રજૂ કરી હતી. તાપી જિલ્લામાં જુદા જુદા ૧૨ પરીક્ષા કેન્દ્રો ઉપર ૩૦૩૯ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત થશે, જેમના માટે ૧૨૭ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના સરળ સંચાલન માટે જિલ્લા કો ઓર્ડિનેટર આર.જે.હાલાણીના વડપણ હેઠળ ૧૨ જેટલા આયોગના પ્રતિનિધિઓ સહિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, સ્ટ્રોંગરૂમ ઇન્ચાર્જ, સલામતી અધિકારીઓ, રિઝર્વ અધિકારીઓ, ઉપરાંત આનુષંગિક સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે.