ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૨૩/૪/૨૦૧૯ ના રોજ મતદાન યોજાનાર છે. નર્મદા જિલ્લાનાં તમામ મતદારો આ મતદાનમાં ભાગ લઇ જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં રાજપીપલાની સરકારી મુકબધિર શાળા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન ખોજાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાએ દિવ્યાંગ મતદારોની જાગૃત્તિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઇવીએમ અને વીવીપેટનાં તાલીમી તજજ્ઞ વિમલ દેવડા તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગનાં કર્મચારીઓ અને દિવ્યાંગોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન ખોજાએ દિવ્યાંગ વ્યક્તિઓનું સ્વાગત કરી તેમના પ્રસંગોચિત્ત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. દિવ્યાંગોનો એક-એક મત કિંમતી છે. માટે આપણે સૌએ ફરજિયાત મતદાન કરવું જોઇએ. ઇવીએમ અને વીવીપેટ મશીન તાલીમ નિષ્ણાંત વિમલ દેવડા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓએ મતદાન કઇ રીતે કરવું તેની સમજ આપવા માટે કર્મચારી દ્વારા દિવ્યાંગોને ઇવીએમ અને વીવીપેટ મશીન દ્વારા મતદાન કરવા અંગેની સમજ આપી મતદાન માટે પ્રોત્સાહિત કરાયાં હતાં. દરેક મતદાતાઓને રૂબરૂમાં મતદાન મશીન સાથે કઇ રીતે મત આપી શકે છે તેની સમજણ આપી પ્રાયોગિક રીતે માહિતગાર કરાયાં હતાં અને આ સંદર્ભે દિવ્યાંગ મતદારોનાં પ્રશ્નો સાંભળી તેઓને પુરતી સમજ અપાઇ હતી. કાર્યક્રમનાં અંતમાં મતદાન જાગૃત્તિ અંગે તમામ દિવ્યાંગોએ સામૂહિક શપથ લઇ મતદાન અચૂક કરવા અંગેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

LEAVE A REPLY