/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/a02ecb29-eb82-479d-808b-4f7a9532fe0f.jpg)
ખેતરમાં કામ કરી રહેલા લોકો ઉપર રીંછે હુમલો કરતાં તાલુકા પંચાયતનાં પ્રમુખને જાણ કરાઈ
દેડિયાપાડા તાલુકાના આંબાગામ સુકવાલ અને અરેઠી ગામે ખેતરમાં કામ કરી રહેલા ચાર લોકો ઉપર હુમલોક કરતાં ચકચાર મચી છે. રીંછના હુમલામાં ઈજા પામેલા ચાર પૈકી મહિલાને ગંભીર ઈજા પહોંચતાં વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ઘટનાને પગલે દેડિયાપાડા ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવી ગયું છે.
દેડિયાપાડા તાલુકામાં આવેલા અરેઠી ગામે આજરોજ સવારનાં સમયે શાંતિબેન ગોવલિયાભાઈ વસાવા કોઈ કામ અર્થે ગામનની સીમમાં ગયા હતા. દરમિયાન અચાનક ધસી આવેલા એક રીંછે તેમના ઉપર હુમલો કર્યો હતો. શાંતિબેનને માથાના અને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે આંબાગામ સુકવાલ ગામના ત્રણ વ્યક્તિઓ નરેશ ભરત વસાવા, ચંદુ માકતા વસાવા અને જયેશ ઉબડીયા વસાવાને પણ રીંછે નિશાન બનાવ્યા હતા. જોકે બુમાબુમ થતાં આસપાસનાં ખેતરોમાં કામ કરી રહેલા લોકો પણ દોડી આવ્યા હતા.
લોકોએ બુમા બુમ કરતાં રીંછ જંગલ તરફ ભાગી ગયું હતું. સ્થાનિક લોકોએ તાલુકાપંચાયતના પ્રમુખ માધવસિંહ વસાવાને ઘટનાની જાણ કરતાં તેમણે તરતજ ફોરેસ્ટ વિભાગ અને 108ને જાણ કરી પોતે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે દેડિયાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા. જ્યાંથી શાંતિબેન વસાવાને ગંભીર ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજપીપળા અને ત્યાંથી વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે દેડિયાપાડા ફોરેસ્ટ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. અને ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈને રીંછને પકડી પાડવાની કવાયય હાથ ધરી હતી.