/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/amit-shah-court-appearance-maya-kodnani-ani_650x400_51505717046.jpg)
અમદાવાદ નરોડા કેસમાં માયાબેન કોડનાની દ્વારા બચાવપક્ષનાં સાક્ષી તરીકે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.
અમિત શાહે સ્પેશિયલ કોર્ટમાં નરોડા કેસમાં બચાવપક્ષનાં સાક્ષી તરીકે પોતાની જુબાની આપી હતી. તેમણે જુબાની આપતા જણાવ્યુ હતુ કે, માયાબેન 28મી ફેબ્રુઆરી 2002ના દિવસે વિધાનસભામાં ઉપસ્થિત હતા.
અમિત શાહએ જણાવ્યુ હતુ કે 28 ફેબ્રુઆરીએ હું મારા ઘરે થી વિધાનસભા સવારે લગભગ સાત વાગ્યે જવા નીકળ્યો. સવારે 8.30 વાગ્યાનું ગૃહનું સત્ર હતુ. હું મારી ગાડીમાં મારા ડ્રાઇવર સાથે ગયો હતો. ગોધરામાં ઘણા લોકો મર્યા હતા એટલે શ્રધ્ધાંજલિનો પ્રસ્તાવ રાખ્યો હતો, પછી થોડીવાર ગૃહ મુલત્વી રહ્યું હતુ.
શાહે વધુમાં જણાવ્યુ હતુ કે માયાબેનની સહી હું ઓળખતો નથી, પણ એ વિધાનસભામાં ઉપસ્થિત હતા. મારા પર ઘણા ફોન સોલા સિવિલમાંથી આવતા હતા અને એ જગ્યા મારા વિધાનસભા મતક્ષેત્રની છે એટલે હું વિધાનસભા થી ત્યાં સીધો ગયો હતો. 9.30 થી 9.45 વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. હું ત્યાં પહોંચ્યો ત્યારે ડેડબોડી આવી હતી. તેમના પરિવારજનો પણ હતા અને એક રીતે અફરાતફરીનો માહોલ હતો. પહેલા હું પોસ્ટમોર્ટમ થતું હતું ત્યાં ગયો, પણ અધિકારીઓએ મને જતા રોક્યો હતો. ત્યાં મૃતકોના પરિવારજનો હતા. હું એમને મળ્યો અને ત્યાં પક્ષના ઘણા કાર્યકર્તાઓ પણ હતા.
અમિત શાહે જણાવ્યુ હતુ કે ત્યાં ઘણા બધા લોકો હતા. નારણપુરા વોર્ડના નટુભાઈ વાઘેલા પણ હતા. માયાબેન મને સિવિલમાં મળ્યા હતા પણ હું નીકળતો હતો એ વખતે ઘટના કંઈક એવી બની હતી કે ત્યાં સુત્રોચ્ચારો થતા હતા. લોકોમાં રોષ હતો. હું ખાસ્સો ટાઈમ રહ્યો હતો. ટોળાએ સૂત્રોચ્ચાર કરતા પોલીસે મને સમજાવીને ત્યાંથી કોર્ડન કરીને બહાર કાઢયો હતો.
મારી ગાડી થોડી દૂર હતી એટલે મને અને બાદમાં માયાબેન સમક્ષ પણ લોકોનો આક્રોશ જોઈને તેમને પણ કોર્ડન કરીને બહાર લઈ આવ્યા અને મને અને માયાબેનને પોલીસની ગાડીમાં લઈ જવાયા હતા. તે વખતે લગભગ 11 કે સવા અગિયારનો સમય હશે.
અમિત શાહનાં કોર્ટમાં નિવેદન સમયે માયા કોડનાની, બાબુ બજરંગી સહિત અન્ય આરોપીઓ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. સરકારી વકીલ સુરેશ શાહ, ગૌરાંગ વ્યાસ, માયા કોડનાનીના વકીલ અમિત પટેલ, એસ.આઈ.ટી.ના વકીલ વી.કે. મલ્હોત્રા પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.
જ્યારે કોર્ટ સંકુલમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.