નર્મદા જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ડિઝાસ્ટર મામલતદાર એમ. એસ. સોલંકી અને ડીપીઓ બન્ટીશકુમાર એલ.પરમારની ઉપસ્થિતિમાં ગઈકાલે રાજપીપલા મુખ્ય મથકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે નાંદોદ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા તાલીમ વર્ગમાં નાંદોદના ૨૭૦ જેવા આચાર્યશ્રીઓ/શિક્ષકોએ તાલીમમાં ભાગ લીધો હતો.
ગઈકાલે રાજપીપલા ખાતે યોજાયેલા આ તાલીમવર્ગમાં આપત્તિ વ્યવસ્થાપન વિષયના પ્રાથમિક સારવારના તજજ્ઞ મનિષ એલ. પરમાર, આગ સલામતીના તજજ્ઞ અનિલ એ. રોહિત, શોધ અને બચાવ તાલીમના તજજ્ઞ રાજેન્દ્રકુમાર ડી. રોહિત, ૧૦૮ ઈમરજન્સી સેવાનું ડેમોન્સ્ટ્રેસન, ૧૦૧ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ તેમજ “ આપદામિત્ર” દ્વારા શાળા સાલામતીને ધ્યાનમાં રાખીને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા ભાગ લેનાર તમામ શિક્ષકોને તાલીમબધ્ધ કરાયાં હતાં.
અત્રે એ ઉલ્લેખનીય છે કે પાંચ દિવસમાં તમામ તાલુકાઓને આવરી લેવાયેલા આયોજનના ભાગરૂપે આજે દેડિયાપાડા ખાતે, તા. ૨૭ મીએ સાગબારા, તા.૨૮ મીએ તિલકવાડા અને તા. ૨૯ મીએ ગરૂડેશ્વર તાલુકા મથકોએ પણ આ પ્રકારના તાલીમ વર્ગોમાં જે તે તાલુકાના શિક્ષકો સહિત કુલ ૧૩૮૦ શિક્ષકોને તાલીમબધ્ધ કરાશે.
આફતના સમયે શું કરવું અને શું ન કરવું તે અંગે શિક્ષકો-બાળકોને જાગૃત કરવા, શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના હેઠળ શાળા આપત્તિ વ્યવસ્થાપન સમિતિને અધતન કરવા ઉપરાંત શાળામાં મોકડ્રીલનો અભ્યાસ કરાવવા તેમજ શાળામાં માળખાગત અને બિન-માળખાગત નિવારણના પગલાંઓ વિશે સમજ આપવાનો ઉદ્દેશ ઉક્ત તાલીમનો રહેલો છે અને તે મુજબ જે તે તાલીમવર્ગમાં જરૂરી સમજ કેળવવામાં આવી રહી છે.