Connect Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાનું સરેરાશ ૮૦.૨૮ ટકા મતદાન નોંધાયું

નર્મદા જિલ્લાનું સરેરાશ ૮૦.૨૮ ટકા મતદાન નોંધાયું
X

  • નર્મદા જિલ્લામાં સરેરાશ કુલ ૧૭૬૯૪૭ પુરૂષ અને ૧૬૬૨૫૩ મહિલા સહિત કુલ ૩૪૩૨૦૦ મતદારોએ કરેલુ મતદાન
  • દેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં ૧૭૨૩૫૪ મતદારોના મતદાન થકી નોંધાઇ વિક્રમજનક ૮૫.૦૧ ની મતદાનની ટકાવારી
  • નાંદોદ વિધાનસભા ક્ષેત્રમાં ૧૭૦૮૪૬ મતદારો મતદાન થકી નોંધાઇ ૭૬.૦૨ ની મતદાન ટકાવારી

નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીઓના ભાગરૂપે ગઇકાલ તા. ૨૩ મીના રોજ યોજાયેલા મતદાનમાં ૨૧- છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮- નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયેલા ૧૧૫૩૫૫ પુરૂષ અને ૧૦૯૩૯૫ સ્ત્રી સહિત કુલ ૨૨૪૭૫૧ મતદારો સામે ૮૯૫૬૮ પુરૂષ અને ૮૧૨૭૮ સ્ત્રી સહિત કુલ ૧૭૦૮૪૬ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં નાંદોદ વિધાનસભા વિસ્તારમાં ૭૭.૬૫ ટકા પુરૂષ અને ૭૭.૩૦ ટકા સ્ત્રીના મતદાન સહિત કુલ ૭૬.૦૨ ટકા મતદાન નોંધાયું હતું.

તેવી જ રીતે ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલાં ૧૦૧૭૨૨ પુરૂષ અને ૧૦૧૦૧૯ સ્ત્રી મતદારો સહિત કુલ ૨૦૨૭૪૧ જેટલાં નોંધાયેલા મતદારો સામે ૮૭૩૭૯ પુરૂષ અને ૮૪૯૭૫ સ્ત્રી મતદારો સહિત કુલ ૧૭૨૩૫૪ મતદારોનું મતદાન નોંધાયું હતું, જેમાં ૮૫.૯૦ ટકા પુરૂષ અને ૮૪.૧૨ ટકા સ્ત્રી મતદાનની ટકાવારી સાથે કુલ ૮૫.૦૧ ટકાનું મતદાન નોંધાવા પામ્યુ હતું. નર્મદા જિલ્લામાં ઉકત બંને વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ ૨૧૭૦૭૭ પુરૂષ અને ૨૧૦૪૧૪ સ્ત્રી મતદારો સહિત કુલ ૪૨૭૪૯૨ નોંધાયેલા મતદારો સામે ૧૭૬૯૪૭ પુરૂષ અને ૧૬૬૨૫૩ સ્ત્રી મતદારો સહિત કુલ ૩૪૩૨૦૦ જેટલાં મતદારોનું મતદાન નોંધાયું હતું, જેમાં ૮૧.૫૧ ટકા પુરૂષ ૭૯.૦૧ ટકા સ્ત્રી મતદાનની ટકાવારી સાથે જિલ્લાનું સરેરાશ કુલ ૮૦.૨૮ ટકા મતદાન નોંધાયું હોવાના અહેવાલ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ,૨૦૧૪ માં યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં ૭૬.૩૭ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ૮૫.૮૮ ટકા મતદાન સાથે નર્મદા જિલ્લો સમગ્ર રાજયમાં ૮૦.૭૬ ટકા જેટલાં સરેરાશ અભૂતપૂર્વ અને ઐતિહાસિક મતદાન સાથે અગ્રેસર રહયો હતો. તેવી જ રીતે આ વખતે લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ૮૫.૦૧ ની ટકાવારી જોતા ગત ચૂંટણીની સરખામણીએ ૦.૮૭ ની તેમજ નાંદોદ વિધાનસભા વિસ્તારમાં આ વખતની ચૂંટણીમાં નોંધાયેલી ૭૬.૦૨ ની ટકાવારી જોતા ગત ચૂંટણીની સરખામણીએ ૦.૩૫ ની ટકાવારી સાથે જિલ્લાની આ વખતની ચૂંટણીમાં નોંધાયેલી સરેરાશ ૮૦.૨૮ ની ટકાવારી સામે ગત ચૂંટણીની સરખામણીએ ૦.૪૮ ની મતદાનની ટકાવારી નીચી રહેવા પામી છે. આમ છતાં, આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં થયેલા મતદાનમાં જે તે વિધાનસભા ક્ષેત્રની મતદાનની ટકાવારી જોઇએ તો મતદાર જાગૃત્તિ અને જિલ્લા ચૂંટણીતંત્રની મતદાર જાગૃત્તિ માટેની સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રચારલક્ષી કાર્યક્રમોની ફલશ્રુતિરૂપે દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તાર આ વખતે પણ ૮૦.૦૧ ટકાની વિક્રમી મતદાનની ટકાવારી સાથે સમગ્ર રાજયમાં મોખરે રહ્યો હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયાં છે.

આમ, નર્મદા જિલ્લાએ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારે મતદાનની ટકાવારીમાં ભૂતકાળની જેમ અગ્રેસર રહેવાની તેની પરંપરા જાળવી રાખી છે જે માટે જિલ્લાના જાગૃત મતદારો, જિલ્લાવાસીઓ અને જિલ્લા ચૂંટણીતંત્રને તેના યશભાગી ગણાવીએ તો તે અસ્થાને નથી.

Next Story