/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/20223254/4-12.jpg)
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-ટેન્ટ સીટી ખાતે નેશનલ ગ્રીન કોર્પસ કાર્યક્રમ અંતર્ગત આયોજિત દ્વિદિવસીય પ્રથમ વાર્ષિક સંમેલનને ખૂલ્લુ મુકતાં અરવિંદ નૌતિયાલ
કેન્દ્રીય પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તથા ગુજરાત
ઇકોલોજીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર) ના સંયુકત ઉપક્રમે આજે નર્મદા
જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટ-ટેન્ટ સીટી-૨ ના કોન્ફરન્સ હોલ ખાતે આજથી
પ્રારંભાયેલા દ્વિદિવસીય નેશનલ ગ્રીન કોર્પસ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા પ્રથમ
વાર્ષિક સંમેલનને કેન્દ્રીય સંયુકત સચિવ અરવિંદ નૌતિયાલે દિપ પ્રાગટય દ્વારા
ખુલ્લુ મૂકયુ હતું. આ પ્રસંગે કેન્દ્રીય અધિક નિયામક ડૉ. રિતેશ જોષી, ગીર ફાઉન્ડેશનના નિયામક ડૉ.
આર.ડી.કંબોજ વગેરે પણ આ ઉદઘાટન વિધીમાં જોડાયાં હતાં.
કેન્દ્રીય વન, પર્યારણ અને જળવાયુ પરિવર્તન વિભાગના સંયુકત સચિવ અરવિંદ નૌતિયાલે જણાવ્યું
હતું કે, રાષ્ટ્રીય ગ્રીન કોર્પસ કાર્યક્રમ હેઠળ દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત
પ્રદેશોમાં ઇકો કલબની કરાતી રચના અન્વયે દેશમાં લગભગ ૧.૬ લાખ જેટલી ઇકો કલબ
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત છે, જેમાં દર વર્ષે આ કાર્યક્રમ હેઠળ ૧
કરોડ જેટલાં વિદ્યાર્થીઓ જોડાતા હોય છે.
અરવિંદ નૌતિયાલે વધુમાં ઉમેર્યુ હતું કે, વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા અને
સંવેદનશીલતા લાવવા માટે પ્રયાસો હાથ ધરાય છે. વિદ્યાર્થીઓ દ્વારા તેમની ઇકો કલબ
મારફતે પર્યાવરણ, સંવર્ધન અને સંરક્ષણને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, નદીઓની સફાઇ-શુધ્ધિકરણ, તટીય વિસ્તારોની સફાઇ, પક્ષીઓના સંરક્ષણ વગેરે જેવી વિવિધ
કામગીરી કરવામાં આવે છે.
કેન્દ્રીય સંયુકત સચિવ અરવિંદ નૌતિયાલના હસ્તે ઇકો કલબ વિશેની માહિતી, આંતરાષ્ટ્રીય પર્યાવરણ સંરક્ષણ
વિશે તેમજ પર્યાવરણ મહત્વના દિવસોને આવરી લેતી બાબતોની હેન્ડબુકસનું પણ વિમોચન
કરાયું હતું. તદઉપરાંત દેશની શ્રેષ્ઠ ઇકો કલબ અને તેમના ઉત્પાદનોના યોજાયેલા પ્રદશર્નને
પણ નૌતિયાલે ખૂલ્લુ મૂકયુ હતું.
કેન્દ્રીય અધિક નિયામક ડૉ. રિતેશ જોષી તેમજ ગીર ફાઉન્ડેશનના નિયામક ડૉ.
આર.ડી. કંબોજે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી દેશના જુદા જુદા ૨૨
રાજયો-કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી NGC કાર્યક્રમ સાથે સંકળાયેલા લગભગ ૧૦૦
જેટલા અધિકારીઓ અને ઇકો કલબના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઇ રહયા
હોવાનું જણાવી તેમણે કાર્યક્રમની રૂપરેખા અને વિસ્તૃત જાણકારી આપી હતી.
આ સંમેલનમાં ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડીયા તરીકે જાણીતા અને પદ્મશ્રી ડૉ. અનિલ
જોષી અને પદ્મશ્રી જાદવ પયેંગે પણ તેમના પ્રાસંગિક પ્રવચનમાં તેમના સંબંધિત રાજયો અને
ક્ષેત્રોના વન, પર્યાવરણ અને સંરક્ષણ વિષયો ઉપર તેમની વિષય તજજ્ઞતા અંગેની વિસ્તૃત જાણકારી
આપી હતી.
આ કાર્યક્રમમાં ઇકો કલબ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે
પ્રથમ છત્તીસગઢની બિલાસપુરની ભારતમાતા ઇંગ્લીશ મિડીયમ હાયર સેકન્ડરી સ્કૂલને પ્રથમ
રૂા. ૫૦ હજાર, કેરાલાની કોઝહીકુડેની રામકૃષ્ણ મિશન હાયર સેકન્ડરી સ્કૂલ, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને દ્વિતીય
રૂા. ૨૫ હજાર તેમજ તેલંગાણાની બોલારામની સરકારી હાયર સેકન્ડરી સ્કૂલને તૃત્તીય
રૂા. ૧૫ હજારનો પુરસ્કાર અને પ્રશસ્તિપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં હતાં.
જયારે ગુજરાતની મીઠાપુરની ટાટા કેમીકલ ડેવલપમેન્ટ પબ્લીક સ્કૂલને રૂા. ૧૦ હજારનું
આશ્વાસન ઇનામ એનાયત કરાયું હતું.