નર્મદા મૈયા સદાય બે કાંઠે વહેતી રહે તે માટે માછીમાર સમાજે કરી વિશેષ પૂજા

New Update
નર્મદા મૈયા સદાય બે કાંઠે વહેતી રહે તે માટે માછીમાર સમાજે કરી વિશેષ પૂજા

ભરૂચના કાંઠે નર્મદા નદી સુકીભઠ બની જતાં માછીમારીનો વ્યવસાય પડી ભાંગ્યો છે. ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં માછીમાર સમાજમાં નવી આશાનો સંચાર થયો છે. નર્મદા મૈયા સદાય બે કાંઠે વહેતી રહે તે માટે શનિવારના રોજ માછીમાર સમાજે વિશેષ પૂજા કરી હતી.

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં ડાઉન સ્ટ્રીમમાં નર્મદા નદી સુકીભઠ બની હતી. નદીમાં ખારાશ વધી જતાં હીલ્સા માછલી ઘટી જતાં માછીમારીનો વ્યવસાય પડી ભાંગ્યો છે. હજારો માછીમારો બેકારીના ખપ્પરમાં હોમાઇ ગયાં છે. નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડાતાં ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. શનિવારના રોજ ભરૂચ જિલ્લાના માછીમાર સમાજે નર્મદા મૈયાની વિશેષ પૂજા કરી હતી. ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલા બહુચરાજીના ઓવારા ખાતેથી 3 બોટમાં માછીમાર સમાજના લોકો ભજન કિર્તન સાથે નર્મદા નદીની મધ્યમાં પહોંચ્યાં હતાં. તેમણે દુગ્ધાભિષેક તથા ચૂંદડી અર્પણ કરી માતાજીની વિશેષ પૂજા કરી હતી. 2013 બાદ માછીમાર સમાજને નર્મદા મૈયાની વિશેષ પૂજાનું સદભાગ્ય સાંપડયું હતું. નર્મદા નદી પર નિર્ભર તમામ લોકો પર માતાજીની કૃપા રહે તથા નર્મદા મૈયા સદાય બે કાંઠે વહેતી રહે તેવી પ્રાર્થના કરાઇ હતી.