બાગાયત વિભાગની સહાયથી કેળ-વેફર ઉત્પાદનમાં સ્વ-રોજગારીની સાથે આસપાસના ગામના અન્ય લોકોને પણ મળી રોજગારી

New Update
બાગાયત વિભાગની સહાયથી કેળ-વેફર ઉત્પાદનમાં સ્વ-રોજગારીની સાથે આસપાસના ગામના અન્ય લોકોને પણ મળી રોજગારી

વર્ષોથી કેળ, પપૈયા, શાકભાજી જેવા બાગાયતી પાકોનું વાવેતર કરતા નર્મદા જિલ્લાનાં રાજપીપલા નજીક ધાનપોર ગામના વતની અને ૫.૫૦ હેકટર જમીન ધરાવતા પ્રગતિશીલ ખેડૂત અજીતભાઇ વિનુભાઇ પટેલે કેળ-ટીસ્યુના વાવેતર થકી તેમની ૨ હેકટર જમીનમાંથી રૂા.૨ લાખનો ખર્ચ બાદ કરીને કેળ ઉત્પાદનમાં આશરે રૂા.૨ થી ૨.૫ લાખનો ચોખ્ખો નફો મેળવતાં હતાં. પરંતુ હવે રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી મળેલી રૂા. ૧ લાખની સરકારી સહાય થકી પ્રોસેસિંગ યુનિટ મારફત વેફર બનાવી કેળ પાકમાં મૂલ્યવર્ધન કરતાં ૧ મણ કેળામાંથી ૪ કિલોગ્રામ વેફર મુજબ દૈનિક સરેરાશ ૩૦૦ કિલોગ્રામ વેફરનું ઉત્પાદન મેળવીને પ્રતિ કિલો રૂા. ૭૦/- નો ઉત્પાદન ખર્ચ બાદ કરીને તેઓ રૂા.૩૦ ના ચોખ્ખા નફા મુજબ દૈનિક ૩૦૦ કિલોગ્રામ જુદી-જુદી ફલેવરવાળા વેફરના વેચાણ થકી અંદાજે રૂા. ૭૦૦૦/- નો ચોખ્ખો નફો મેળવી રહ્યાં છે. આમ કેળ પાકના ઉત્પાદનથી માથ્ર ૨ થી ૨.૫ લાખનો નફો મેળવનાર અજીતભાઇનું તો નસીબ જ બદલાય ગયું છે અને તે માટે તેઓ હર્ષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આ યુનિટ દૈનિક ૫૦૦ કિલોગ્રામ વેફર ઉત્પાદનની ક્ષમતાં ધરાવે છે. આ યુનિટની ક્ષમતા મુજબ ભવિષ્યમાં મહતમ ઉત્પાદન મેળવાય તેવું આયોજન તેઓ ગોઠવી રહ્યા છે.

અજીતભાઇ પટેલ જણાવે છે કે, કેળ-ટીસ્યુના વાવેતર થકી તેમની ૨ હેકટર જમીનમાં અત્યાર સુધી અંદાજે રૂા. ૨ લાખ જેટલો ખર્ચ કરીને કેળનું ઉત્પાદન લેતાં હતા. પરંતુ તેમાંથી ૧૫ થી ૨૦ ટકા જેટલું ઉત્પાદન ઓછી ગુણવત્તાવાળુ હોવાનું જણાવીને વેપારીઓ દ્વારા તેમને કેળના વેચાણનો ભાવ ઓછો મળતો હતો. જેથી અજીતભાઇ એ તેમના આ ૧૫ થી ૨૦ ટકા જેવા કેળ પાકનો ઉપયોગ વેફર્સ બનાવવા માટે થાય તે હેતુથી નર્મદા જિલ્લા બાગાયતી વિભાગના નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. સ્મિતાબેન પિલ્લાઇ અને તેમની કચેરીના માર્ગદર્શન હેઠળ કેળ પાકમાં મૂલ્યવર્ધન માટે અને સને-૨૦૧૬-૧૭ માં વેફર બનાવવાં માટે અજીતભાઇએ પ્રોસેસિંગ યુનિટ ઉભુ કર્યું છે અને બાગાયત વિભાગ દ્વારા તેમને રૂા. ૧ લાખ જેવી માતબર રકમ પ્રોત્સાહનરૂપી સહાય ચૂકવવામાં આવી છે.

અજીતભાઇ વધુમાં કહે છે, તેમના આ વેફર બનાવટ યુનિટની કામગીરી નિહાળીને ધાનપોર ગામના જ તેમના મિત્રએ વર્ષ-૨૦૧૮-૧૯ માં આજ પ્રકારનું વેફર બનાવવાનું યુનિટ ચાલુ કર્યું છે. હાલમાં તેઓ તેમના મિત્ર સાથે મળીને પરસ્પરના સહયોગથી તેમના આ યુનિટો ચલાવી રહ્યાં છે. અજીતભાઇના જણાવ્યા મુજબ તેમનું આ યુનિટ પ્રતિદિન ૫૦૦ કિલોગ્રામ વેફરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ યુનિટ દ્વારા દૈનિક સરેરાશ તેઓ ૩૦૦ કિલોગ્રામ કેળ-વેફરનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ રોજબરોજ સ્થળ ઉપરથી તેમજ તહેવારો અને રજાઓના દિવસોમાં પોઇચા, કુબેર ભંડારી વગેરે જેવા પર્યટન સ્થળોના પ્રવાસીઓને વેચાણ કરવાં ઉપરાંત અમદાવાદ,સુરત, વડોદરા જેવા મહાનગરોના મોટા વેપારીઓને હોલસેલ ભાવે વેચાણ કરી રહ્યાં છે.

તદ્દઉપરાંત ગામના કેળપાક કરતાં ખેડૂતો નાના કદના કેળ કે જે વેપારીઓ સ્વીકારતા ન હતાં એ કેળા ખેડૂતો પાસેથી વેચાણથી લઇ તેમના આ યુનિટ દ્વારા જુદા-જુદા પ્રકારનાં સ્વાદનો ચેવડો બનાવી રહ્યા છે અને કેળ-છાલનો ઉપયોગ પશુધનને ખવડાવવામાં કરી રહ્યા છે. આ યુનિટથી અજીતભાઇ પોતે તો સ્વ-રોજગારી મેળવી જ રહ્યા છે, પરતું તેની સાથોસાથ આજુબાજુ ગામના યુવકો તેમજ મહિલાઓને પ્રોસેસિંગ યુનિટની કામગીરીમાં રાખીને તેઓને પણ રોજગારી પૂરી પાડી રહ્યાં છે.