Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લામાં મુકબધીરો, પ્રજ્ઞાચક્ષુઓ, વિકલાંગો સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદર

ભરૂચ જિલ્લામાં મુકબધીરો, પ્રજ્ઞાચક્ષુઓ, વિકલાંગો સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદર
X

મતદાન કરવા સૌ બન્યા છે તત્પર

ભરૂચ જિલ્લામાં મુકબધીર, પ્રજ્ઞાચક્ષુઓ, વિકલાંગો સહિતના દિવ્યાંગ મતદારોમાં ભલે શિક્ષણનું પ્રમાણ ઓછું હશે પણ લોકશાહીમાં તેમની શ્રધ્ધા અતુટ છે અને મતદાન માટેની ફરજ પરસ્તી પ્રેરક છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિની જેમ સરળતાથી તેઓ મતદાન કરી શકતા નથી પણ અગવડો - અડચણો વેઠીને પણ મતદાન કરવાની તેમની ધગશ મતદાન મથક સુધી લઇ જાય છે અને ટેકણ લાકડી કે સહાયકની મદદથી મતદાન કરીને તેઓ લોકશાહીને જાણે કે વિકલાંગ થતી બચાવે છે.

આમ તનથી અશક્ત અને મનથી સશક્ત લોકશાહીના આ સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા અને તેની સાથે જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તેવો દ્રઢ નિર્ધાર જંબુસર ખાતે યોજાયેલ દિવ્યાંગ મતદાર જાગૃતિ શિબિરમાં દિવ્યાંગ મતદારોએ વ્યક્ત કરેલો જાવા મળ્યો છે.

ભરૂચ તાલુકાના સામલોદ ગામના હંસાબેન પરમાર કે જેઓ ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવે છે. તા.૨૩ મી એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીમાં મતદાન કરવા જાગૃત છે જ તેઓ પોતે ચૂંટણીમાં મતદાન કરશે જ પરંતુ તેઓ અન્ય દિવ્યાંગોને પણ આગામી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરાવશે.

ઉચ્છદ ગામના બળવંતસિંહ અને તેમના પત્નિ ઉષાબેન અસ્થિ વિષયક વિકલાંગતા ધરાવે છે. બળવંતસિંહ કહે છે કે ૨૩ મી તારીખની ચૂંટણીમાં અચૂક મતદાન કરીશે. હું મારા કુટુંબ તથા ગ્રામજનોને પણ મતદાન કરાવીશ.

અણખી ગામના હરમાનભાઇ કે જેઓ પ્રજ્ઞાચક્ષુ છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાય લોકતંત્રના આ સૌથી મોટા તહેવારમાં તેઓ મતદાન કરવા ઉત્સુક અને તત્પર છે. તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરવાની હિમાયત કરી છે.

દિવ્યાંગોને મતદાન માટે મુશ્કેલી ન સર્જાય અને તેમને પુરતી સુવિધા મળી રહે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર ધ્વારા દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ આપવા જિલ્લા વહીવટીતંત્ર કટિબધ્ધ છે. જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી મળેલી માહિતી મુજબ ૮૦૪૧ જેટલા દિવ્યાંગો પૈકી અસ્થિ વિષયક ૧૮૦૫, મુક-બધીર ૧૮૯૧, અંધજન ૨૬૩૯ અને ૧૭૦૬ અન્ય દિવ્યાંગનો સમાવેશ થાય છે. આ દિવ્યાંગો મતદાન મથક પર સરળતાથી મતદાન કરી શકે તે માટે વિશેષ સુવિધામાં પુરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૯ અન્વયે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગદીઠ એક શારીરિક અક્ષમ મતદારો(PWD) મતદાન મથકોની રચના કરવામાં આવેલ છે. ૧૫૦-જંબુસર વિધાનસભા મતદાન વિભાગમાં મતદાન મથકનો ક્રમ-૧૫૨ જંબુસર-૩૦ કાવાભાગોળ મિશ્રશાળા ટંકારી ભાગોળ રૂમ નં.૭, ૧૫૧-વાગરા વિધાનસભા મતદાન વિભાગમાં મતદાન મથકનો ક્રમ-૧૫ સાચણ પ્રાયમરી સ્કુલ સાચણ, ૧૫૨-ઝઘડીયામાં વિધાનસભા મતદાન વિભાગમાં મતદાન મથકનો ક્રમ-૧૮૭ વાલીયા-૧ નવચેતન વિદ્યામંદિર વાલીયા પૂર્વ બાજુ, ૧૫૩-ભરૂચ વિધાનસભા મતદાન વિભાગમાં મતદાન મથકનો ક્રમ-૯૪ ભરૂચ-૪૦ જિલ્લા ઉદ્યોગકેન્દ્ર કચેરી, ભોîયતળીયે ભરૂચ, ૧૫૪-અંકલેશ્વર વિધાનસભા મતદાન વિભાગમાં મતદાન મથકનો ક્રમ-૧૭ પ્રાથમિક શાળા નવી બિલ્ડીંગ કલમ તા.હાંસોટનો સમાવેશ થાય છે. જેમાં ચૂંટણી ફરજ પરના તમામ અધિકારીઓ - કર્મચારીઓ તરીકે દિવ્યાંગજનોની નિયુક્તિ સાથે તેમના મારફત મતદાન મથકનું સંચાલન કરાશે.

Next Story