/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-417.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સલામતીના સાધનોના મુદ્દે હોસ્પિટલ સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં લગાવવામાં આવેલ અગ્નિશામકો આઉટ ઓફ ડેટેડ હોવાનું બહાર આવ્યું છે.જો કોઈ આગ કે હોનારત ઊભી થાય તો તેને ઉગતા જ ડામી દેવાય તેવી સ્થિતિમાં પણ આ અગ્નિશામકો નથી જેને લઇને દર્દીઓ માથે ખતરો ઉભો થયો છે.
સુરત તક્ષશિલા આર્કેડમાં બનેલી કરૂણાંતિકાએ સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકયું છે.આ ઘટના બાદ ભરૂચમાં પણ હોસ્પિટલો,હોટલો અને ક્લાસીસો સહિત બિલ્ડિંગોમાં સેફ્ટીના સાધનોની તપાસ હાથ ધરી નોટિસ તો અપાઇ છે. પરંતુ સરકારના જ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આ અંગેની ઘોર બેદરકારી સામે આવી છે.ભરૂચના મીડિયાએ સરકારી કચેરીઓમાં પણ સુરક્ષાના સાધનો અંગે ચકાસણી હાથ ધરતાં સિવિલ હોસ્પિટલ સાથે ત્યાંની બેદરકારીનો પર્દાફાશ થયો છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આગની સમસ્યા ઉભી થાય તો તેને ઓલવવા માટે દરેક માળ પર ૨૦ ફાયર એક્સટીંગુસર લગાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ ચાર માળની હોવાથી કુલ અંદાજીત ૮૦ જેટલા ફાયર એકસ્ટીંગુસર લગાવાયા છે. આ તમામ અગ્નિશામક આઉટ ઓફ ડેટેડ છે. કોઈ આગ કે હોનારત થાય તો એક પણ અગ્નિશામક કામ લાગે તેમ નથી. આવા સંજોગોમાં દર્દીઓના માથે ખતરો ઉભો થયો છે.
માધ્યમ કર્મીઓએ અગ્નિશામકો જોતા તેના ઉપર માર્કર પેન વડે તેની એક્સપાયરી ડેઇટ માં સુધારો કરી 2016ના લખાણ ઉપર 2019 લખવામાં આવ્યું છે. આ અંગે હોસ્પિટલ સંચાલકોએ ફાયર એક્સટીંગ્યુસર રિફિલિંગ કરાવ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ રીપેરીંગ કરાવ્યા હોવાના કોઈ પુરાવા તેમની પાસે થી મળી આવ્યા ન હતા. જેની સામે સ્થાનિક જાગૃત નાગરિકોએ વિરોધ ઉઠાવી આ ઘટનાને વખોડી નાખી હતી.
સામાન્ય રીતે જ્યારે ફાયર એકસ્ટીંગ્યુરને રીફીલ કરાવવામાં આવે ત્યારે જે તે કંપની તેના ઉપર સ્ટીકર મારી રિફિલિંગ ડેઇટ અને એક્સપાયરી ડેઇટ લખતી હોય છે ભરૂચમાં કલેક્ટર કચેરી તથા મામલતદાર કચેરીમાં રિફિલિંગ કરાવેલ ફાયર એકસ્ટીંગ્યુસરમાં આવા સ્ટીકર જોવા મળ્યા હતા જે અંગે મામલતદાર આદિત્ય ત્રિવેદીએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
ભરૂચમાં બૌડા એ ટીમ બનાવી શહેરમાં આવેલ બિલ્ડિંગોમાં સેફ્ટી અંગેના સાધુનો ની તપાસ હાથ ધરી હતી. શહેરમાં આવેલા હોસ્પિટલો હોટલો ક્લાસીસો અને ઓફિસો મળી કુલ 109 જેટલા સ્થાનો પર સેફટીની બેદરકારી બહાર આવતા નોટિસો ફટકારી હતી. પરંતુ મીડિયાની ટીમે સુરક્ષા અંગે 109 નોટિસો ફટકારનાર બૌડાની ઓફિસ માં જ તપાસ કરતા ઊલટા ચોર કોટવાલ કો ડંડે જેવી સ્થિતિ સામે આવી હતી. બૌડાની ઓફિસમાં જ સુરક્ષા અંગેની બેદરકારી બહાર આવી હતી. ઓફીસ અંદર બહાર લગાવવામાં આવેલ ફાયર એકસ્ટીંગ્યુસર ની એક્સપાયરી ડેઇટ જોતા તે 2015 માં પૂરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.
ફાયર એકસ્ટીંગ્યુસર ચાર વર્ષ પહેલા આઉટ ઓફ ડેઇટ થયેલ હોવા છતાં બોર્ડના અધિકારી હાથ પર હાથ ધરી ઊંઘતા રહ્યા હતા. સુરતની ઘટના બાદ પણ બૌડાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની કચેરીમાં જ સુરક્ષા અંગેનું મૂલ્યાંકન ના કર્યું. એટલે સુધી કે શહેરમાં ૧૦૯ જેટલી નોટિસ ફટકારતા પહેલા પણ પોતાની જ કચેરીના સુરક્ષા ના સાધનોની ચકાસણી ના કરી અને રિફિલિંગ ના કરાવ્યા. તે જોતા બૌડાની કચેરીમાં દીવા તળે જ અંધારું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટી મુદ્દે સિવિલ સત્તાધીશો ઉણા ઉતર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.