Connect Gujarat
ગુજરાત

રાજકોટના મોરબી રોડ પર યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

રાજકોટના મોરબી રોડ પર યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
X

રાજકોટમાં મિત્રના પ્રેમપ્રકરણના સમાધાનમાં ગયેલા જમુનાપાર્કના યુવકને સમાધાન બાદ બે શખ્સોએ પીછો કરી છરીનો છૂટો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. હત્યારા વધુ ઘા ઝીંકશે તેવા ભયથી યુવક મિત્રો સાથે બાઇકમાં ભાગ્યો હતો, પરંતુ કુવાડવા રોડ પર ધોળકિયા સ્કૂલ નજીક ઢળી પડ્યો હતો. પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી હતી. મોરબી રોડ પરના જમુનાપાર્કમાં રહેતા કિશન ધીરૂભાઇ જાદવાણી (ઉ.વ.21) સોમવારે સાંજે તેના મિત્રના પ્રેમપ્રકરણમાં ચાલતા વિવાદના સમાધાન માટે તેના બે મિત્ર જતિન ગોહેલ અને ચિરાગ ગોહેલ સાથે કુવાડવા રોડ પર રણછોડદાસબાપુના આશ્રમ નજીક નાગબાઇ પાન નામની દુકાન પાસે ગયો હતો. સાંજે સાતેક વાગ્યે યુવતીના પરિવારજનો અને કિશનના મિત્ર પક્ષ વચ્ચે પ્રેમપ્રકરણના મુદ્દે ઉગ્ર ચર્ચા બાદ સમાધાન થઇ ગયું હતું.

સમાધાન થતાં કિશન તેના બંને મિત્રો સાથે મોરબી રોડ પર તેના ઘરે જવા નીકળ્યો હતો. ટ્રિપલસવારી બાઇકમાં કિશન સૌથી પાછળ બેઠો હતો. ત્રણેય મિત્રો કુવાડવા રોડથી એંસી ફૂટ રોડ પર પહોંચ્યા હતા ત્યારે પાછળથી ડબલસવારી બાઇક ધસી આવ્યું હતું અને બાઇક ચાલકે સામું કેમ જોતો હતો તેમ કહી કિશનને ગાળો ભાંડી હતી, કિશને પણ ગાળથી વળતો જવાબ આપ્યો હતો. ચાલુ બાઇકે જ પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે છરીનો છૂટો ઘા ઝીંકતા કિશનના વાસાના ભાગે છરી લાગી હતી અને છરી નીચે પડી ગઇ હતી.

ઘા કરનાર શખ્સે બાઇકમાંથી નીચે ઉતરી છરી ઊંચકતાં વધુ ઘા ઝીંકાશે તેવા ભયથી જતિન ગોહેલે બાઇક હંકારી મૂક્યું હતું અને હુમલાખોર બંને શખ્સો પણ ત્યાંથી નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા કિશને પોતાને હોસ્પિટલે લઇ જવાનું કહેતા તેના મિત્રો મોરબી રોડ પર હોસ્પિટલે જવા નીકળ્યા હતા, પરંતુ કુવાડવા રોડ પર આવેલી ધોળકિયા સ્કૂલ પાસે પહોંચતા જ કિશને પોતાને ચક્કર આવતા હોવાનું કહ્યું હતું અને તે સાથે જ તે બાઇક પરથી નીચે પટકાયો હતો. પટકાયા બાદ કિશન બેભાન થઇ જતાં તાકીદે 108ને બોલાવાઇ હતી, પરંતુ 108ના ડોક્ટરે કિશનને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરનો કિશન છોટાહાથી ચલાવી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. એક વર્ષ પૂર્વે કિશન વાહન અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેને ગંભીર ઇજા થઇ હતી, અકસ્માતમાં થયેલી ગંભીર ઇજાથી તેનો બચાવ થવાની એક તબક્કે તબીબોએ પણ આશા છોડી દીધી હતી, પરંતુ તેનો ચમત્કારિક બચાવ થયો હતો, જોકે એ ઘટનાના એક વર્ષ બાદ મિત્રના પ્રેમપ્રકરણમાં કિશનની હત્યા થતાં પરિવારજનો શોકના દરિયામાં ડૂબી ગયા હતા.

ધર્મેશ અને લાલા સગરની શોધખોળ

છરીનો ઘા ઝીંકી કિશન જાદવાણીની કરવામાં આવેલી હત્યાનો ભેો ઉકલવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સગર યુવકના પ્રેમપ્રકરણના વિવાદમાં વચ્ચે પડેલા કિશનની હત્યા પીછો કરીને કરવામાં આવી હતી. ધર્મેશ સગર અને લાલા નામના શખ્સની ભુમિકા હત્યામાં હોવાની ક્રાઇમબ્રાંચને હકીકત મળી હતી. તેમાં આ બે પૈકી એકને ઇજા થયાનું જાણવા મળતા પોલીસે શહેરની જુદી જુદી હોસ્પિટલમાં શકમંદોની શોધખોળ શરૂ કરી હતી.

Next Story