રાજકોટ : ટ્રાફિકના નિયમોની સમજ આપતાં ટેટુની વધી રહી છે બોલબાલા

58

ગણેશ મહોત્સવ અને નવરાત્રીને વિવિધ સામાજીક મુદાઓ સાથે સાંકળી લેવાની પરંપરા ચાલી આવે છે ત્યારે રાજકોટમાં નવલા નોરતામાં ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખેલૈયાઓ અવનવા સ્લોગન સાથે ટેટુ ચિતરાવી રહયાં છે.

નવરાત્રી શરૂ  થવાને આડે હવે ગણતરીની કલાકો જ બાકી છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં વેલકમ નવરાત્રીના આયોજનો શરુ થઈ ચુક્યા છે. નવરાત્રીની જેમ જ ખેલૈયાઓ વેલકમ નવરાત્રીમા પણ મનભરીને ઝુમી રહ્યા છે. તો સાથે જ પાર્લરમાં જઈ ટેટુ પણ ચિતરાવી રહ્યા છે. હાલમાં  જે રીતે મોટર વ્હિકલ એકટ અંતર્ગત હેલ્મેટના દંડમાં વધારો કરવામા આવ્યો છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે યુવતીઓ હવે ટેટુ દ્વારા જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત યુવતીઓ નવરાત્રીને લગતા ડાંડિયા, ફૂલોની ડિઝાઇન, ડાંડિયા રમતા યુગલ, મોડર્ન આર્ટ વગેરે પ્રકારના ટેટુ બનાવી રહી છે.

આ ટેટુનો કન્સેપટ આપનાર જય ગોહેલ અને યશ ભટ્ટે જણાવ્યુ હતુ કે પરમેનેન્ટ ટેટુ સિવાય ટેમ્પરરી ટેટુ બનાવવાનો ક્રેઝ વધુ જોવા મળે છે. આ પ્રકારના ટેટુ ફેબ્રીક કલર અથવા વોટર કલર કે પોસ્ટર કલરથી બને છે અને તે  ટેટુ બે કે ત્રણ દિવસ રહે છે ત્યારબાદ ચામડી પરથી આપમેળે જ નીકળી જાય છે. તેથી આ પ્રકારના ટેટુ ખેલૈયાઓ વધારે કરાવે છે. કલાકાર હંમેશા કંઇક નવું કરવા માટે ઉત્સુક હોય છે ત્યારે હેલ્મેટ શા માટે જરુરી છે તે અંગે સામાજિક સંદેશ આપવા માટે આ પ્રકારના ટેટુનો કન્સેપ્ટ અમે લાવ્યા છીએ.

LEAVE A REPLY