Connect Gujarat
ગુજરાત

રાજય સરકારના પીઠબળ થકી વિવિધ રમતના ખેલાડીઓને મળ્યું રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ફલક

રાજય સરકારના પીઠબળ થકી વિવિધ રમતના ખેલાડીઓને મળ્યું રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ફલક
X

હોકી રમતના યશસ્વી એવા ૨૨ વર્ષીય યશ ગોંડલીયા ભારતના ૩૦ ટોપ હોકી ખેલાડીઓમાં રમી ચૂક્યા છે, એટલે એમ પણ કહી શકીએ કે ભારતના ૩૦ ટોપ હોકી ખેલાડીમાંથી એક ગુજરાતમાં છે જે તેના નામ મુજબ ખરા અર્થમાં યશસ્વી છે. યશને આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમી ભારતનું અને ગુજરાતનું નામ રોશન કરવું છે. તેને ૨૦૨૦માં ગોલ્ડ સાથે ઓલ્મિપિક જીતી લાવવાની ધગશ અને ઉત્કંઠા છે. યશ ગોંડલીયા રાજય સરકારની સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત હોકી એકેડમી ગુજરાત ખાતે પદમશ્રી ધનરાજ પિલ્લાઇ અને અન્ય કોચશ્રીના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન મેળવી રહ્યા છે.

યશ ગોંડલીયા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત હોકી એકેડમી હોસ્ટેલમાં રહીને આ તાલીમ મેળવે છે. તેમને રાજય સરકાર દ્વારા સંચાલિત આ એકેડમીમાં ખોરાક, રમતના અદ્યતન સાધનો, રમત માટેનો યુનિફોર્મ અને હોકી માટેની ઉત્કૃષ્ટ તાલીમ તેમજ પ્રેક્ટિસ માટેની સુવિધાઓ ઉપરાંત રમત માટેનો માહોલ મળી રહે છે. અમારી ટીમ મેદાન પર ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે હોકીમાં જીત અપાવવાના મંત્ર સાથે સખત મહેનત કરતા હોઇએ છીએ. દિવસના સરેરાશ આઠ થી દશ કલાક પ્રેક્ટિસ કરવાની હોય છે. ઘરેબેઠાં આ ક્યારેય શક્ય ન બને પણ અહીં હોકી એકેડમી ગુજરાત-વડોદરા ખાતે શક્ય બન્યું છે જે દરેક ખેલાડીનું સ્વપ્ન પણ સાકાર કરવામાં મદદરૂપ થશે.

વધુમાં યશે કહ્યું કે, ગુજરાત રાજય સરકારે રમતગમતના ક્ષેત્રને પ્રોત્સાહન પૂરૂં પાડવા ખેલમહાકુંભનું આયોજન કર્યુ. રાજયના ખૂણે-ખૂણે પડેલી અનેક પ્રતિભાઓને ખેલ મહાકુંભને લીધે એક માધ્યમ મળ્યું છે. પ્રતિભા હોય પણ તે પ્રતિભાને દર્શાવવા કે અભિવ્યક્ત કરવા કોઇ માધ્યમ કે પ્લેટફોર્મ ન હોય તો રાજય-રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની કે પોતાની આવડત દર્શાવવાની તકથી ખેલાડી વંચિત રહી જાય છે. હું મારી અને બીજા કેટલાય ખેલાડીઓને નસીબદાર માનુ છું જેમને રાજય સરકાર દ્વારા રહેવા-જમવા અને રમવા માટેની અદ્યતન સુવિધા અને લીજેન્ડ કહી શકાય તેવા કોચના માર્ગદર્શન હેઠળ તાલીમ મળી રહી છે. રાજય સરકારના આ પીઠબળ થકી વિવિધ રમતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ફલક મળ્યું.

યશસ્વી ખેલાડી યશે કહ્યું કે, તેઓ સૌરાષ્ટ્રમાંથી એક માત્ર એવા હોકી પ્લેયર છે જેને ઇન્ડિયા કેમ્પ કરવાની તક સાંપડી હોય આ ઉપરાંત એર ઇન્ડિયા હોકી ટીમમાં ઓલ્મિપિક રમ્યા વિના અને ગુજરાતી હોય તેવા એકમાત્ર હોકી ખેલાડી છે. આમ, હોકી રમતના ક્ષેત્રમાં એકસાથે રેકોર્ડબ્રેક કરવાની સિધ્ધી તેમના ફાળે જાય છે.

યશે વર્ષ-૨૦૧૫ અને વર્ષ-૨૦૧૬માં ઇન્ડિયા કેમ્પ કરીને વર્ષ-૨૦૧૭માં હોકી ઇન્ડિયા સિનિયર નેશનલ લખનઉમાં રમત રમીને સારું પ્રદર્શન કર્યુ છે. વર્ષ-૨૦૧૭માં હોકી ઇન્ડિયા સિનિયર નેશનલ લખનઉ ખાતે રમાઇ હતી તેમાં ગુજરાત હોકી ટીમે સારું પ્રદર્શન કર્યુ. તાજેતરમાં પુણે મહારાષ્ટ્ર ખાતે લેટ હુસૈન ટુર્નામેન્ટ યોજાઇ હતી અને યશ અને ગુજરાત હોકી ટીમ રનરઅપ થઇ હતી. બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ યશને ખાતે જમા છે. આ અગાઉ વર્ષ-૨૦૧૪માં એર ઇન્ડિયાની હોકી ટીમમાં ધનરાજ પિલ્લાઇ સરે મારી પસંદગી કરી હતી.

યશે જણાવ્યું કે, વર્ષ-૨૦૧૫માં રાષ્ટ્રીય સ્તરે હોકી રમતા બ્રોન્ઝ મળ્યો હતો અને એ વર્ષે ઇન્ડિયા કેમ્પ માટે પસંદગી થઇ. મારે મારી આ પસંદગી માટે કહેવું જોઇએ કે મારામાં હોકી ક્ષેત્રની ટેલેન્ટ ઘણી પરંતુ આત્મવિશ્વાસ ઓછો હતો પણ મારી ટેલેન્ટની પરખ કરીને શ્રી ધનરાજ પિલ્લાઇ સરે મારી પસંદગી કરી મને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. હોકી રમતમાં કંઇક કરી છૂટવાની તક મળી છે. શ્રી ધનરાજ પિલ્લાઇ સર અને હોકી કોચના માર્ગદર્શન અને સતત પ્રેક્ટિસને લીધે મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

મારો અભ્યાસ સાધુ વાસવાણી સ્કુલ રાજકોટમાં થયો છે, હું વર્ષ-૨૦૦૮થી હોકી રમું છુ. મારા પિતાજી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને મારા માતા ગૃહિણી છે. મારી બહેન બી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. મારા પિતાને કૌટુંબિક જવાબદારીઓ વધુ હતી એટલે આર્થિક રીતે સંકડામણ રહેતી હતી મારે ક્રિકેટ રમવું હતુ પરંતુ એ માટે આર્થિક સ્થિતિને પરવડે એવું હતુ નહિ પણ મારા પરિવારને આર્થિક વિટંબણા તેમના અભિગમ આડે આવે એમ નહોતું એમણે મને હોકી રમવા પૂરતો સહકાર આપ્યો. રમત રમવાની મારી આંતરિક ઇચ્છા અને ધગશે મને હોકી ક્ષેત્રે વાળી દીધો.

મારી જ વાત કરું તો વર્ષ-૨૦૦૯માં પ્રથમવાર વર્ષ ૨૦૦૯માં રાષ્ટ્રીય સ્તરે હોકી રમતમાં ગુજરાત હોકી ટીમ તરીકે રમવાની તક મને મળી હતી, આજે એ દિવસો યાદ કરું તો ઘણું બધુ બદલાયું છે પણ સકારાત્મક રીતે જ... બદલાયું છે. જીવનમાં ઘણાબધા અનુભવો થયા, શીખવા મળ્યું છે. હાર-જીત ગૌણ છે અને સતત પ્રેક્ટિસ કરી લક્ષ્ય હાંસિલ કરી શકાય છે તેવું મને રમત રમવાથી અનુભવાય છે. અત્યારે રમતની સાથે મને કસ્ટમ્સમાં નોકરી પણ છે જેથી મારી કારકિર્દી આ રીતે પણ ઘડાઇ રહી છે.

Next Story