Connect Gujarat
ગુજરાત

વડોદરા:મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રક્તદાન થકી કર્મચારી અને પરિવારને રક્તદાતા બનવા આપી પ્રેરણા

વડોદરા:મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રક્તદાન થકી કર્મચારી અને પરિવારને રક્તદાતા બનવા આપી પ્રેરણા
X

વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જાતે રક્તદાન કરે છે અને આરોગ્ય કર્મચારી પરિવારને રક્તદાતા બનવાની સફળ પ્રેરણા આપી છે.સન ૨૦૧૭થી જિલ્લાના સરકારી દવાખાનાઓમાં યોજાતી રક્તદાન શિબિરોમાં આરોગ્ય કર્મચારીઓ અને સેવાભાવી નાગરિકોએ ૬૦૫ યુનિટ રક્તનું દાન કર્યુ છે.

સન ૨૦૧૭થી સરકારી ફરજોથી આગળ વધીને એક લોકઉપયોગી સેવા પ્રવૃત્તિના રૂપમાં વડોદરા જિલ્લા આરોગ્યતંત્ર હેઠળના ગામો અને તાલુકા મથકો ખાતે આવેલા જુદાં જુદાં સરકારી દવાખાનાઓમાં વારાફરતી અને સમયાંતરે રક્તદાન શિબિરો યોજાય છે જેમાં અત્યાર સુધીમાં તબીબો સહિતના આરોગ્ય કર્મચારીઓ તેમજ સેવાભાવી નાગરિકોએ ૬૦૫ યુનિટ (બોટલ્સ) જેટલું જીવનરક્ષક લોહી દાનમાં આપ્યું છે. યાદ રહે કે આરોગ્ય કર્મચારીઓએ રક્તદાન કરવું એવી કોઇ સરકારી ફરજ નથી. પરંતુ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવતની પ્રેરણાથી એક સ્વયંભૂ પહેલના રૂપમાં જીવનરક્ષક સ્વૈચ્છિક રક્તદાનની પરંપરા આરોગ્ય કર્મચારી પરિવારે સ્વીકારી છે.

આ પરંપરાની પ્રેરણા આપનારા ડૉ. ઉદય અગાઉ અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હતા અને હાલમાં કાર્યકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે. આ શિબિરો પૈકી ઘણી શિબિરોમાં તેમણે જાતે રક્તદાતા બનીને અન્ય કર્મચારીઓને પ્રેરણા આપી છે. તેમના અને અન્ય આરોગ્ય કર્મચારીઓના પ્રયાસોથી જે તે ગામના સેવાભાવી સજ્જનો પણ રક્તદાનની સેવા આપે છે.

ડૉ. તિલાવત છેલ્લા ઘણાં વર્ષોથી રક્તદાનના (સારા) રવાડે ચઢ્યા છે અને અન્યોને આ માર્ગે વાળી રહ્યા છે. બહુધા એસ.એસ.જી. હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી આ રક્તદાન શિબિરો યોજાય છે જેથી સરકારી દવાખાનાઓનો લાભ લેતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની જીવનરક્ષામાં આ અમૃત (રક્ત) દાન ખૂબ જ નિર્ણાયક બની રહે છે. પોતે તબીબ હોવાથી તેઓ રક્તદાનનું મહત્વ સમજે છે. રક્તદાનથી શરીરને કોઇ નુકશાન કે આડઅસર થતી નથી એ વૈજ્ઞાનિક સત્યને અમલમાં મૂકીને તેમણે અત્યાર સુધીમાં ૧૭થી વધુ વાર વડોદરામાં અને અન્યત્ર રક્તદાન કર્યુ છે.

તેમનું કહેવું છે કે તબીબો અને આરોગ્ય કર્મચારીઓને રક્તદાનનું મહત્વ સમજાવવું પડે એવું તો નથી જ. રક્તના અભાવે ઉભી થતી કટોકટીની પરિસ્થિતિઓથી આરોગ્ય પરિવાર સુપેરે વાકેફ છે. એટલે તબીબો અને આરોગ્ય કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાનને એક આદત તરીકે અપનાવીને સમાજને પ્રેરણા આપવી જોઇએ. આ નેક કામમાં વડોદરા જિલ્લા આરોગ્ય કર્મચારી પરિવારે આપેલા પ્રોત્સાહક સહયોગને તેઓ બિરદાવે છે અને જણાવે છે કે, દવાખાનું સરકારી હોય કે ખાનગી,વર્ષમાં ઓછામાં ઓછા બે વાર સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવાની સહુ પહેલ કરે એ ઇચ્છનીય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અધિકારીઓ અને કર્મચારીઓને સ્વાન્તઃ સુખાયનો અભિગમ અપનાવવા અનુરોધ કર્યો હતો. જેમાં નિર્ધારીત સરકારી કર્તવ્યો ઉપરાંત જેમાં આત્માને આનંદ મળે, કોઇના માટે કશુંક કર્યાની ખુશી થાય એવા લોકઉપયોગી સેવા કાર્યો સરકારી ફરજોની સાથે કરવા પર ભાર મૂક્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની પહેલ આ દિશાનું એક નક્કર કદમ છે.

Next Story