/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/04212810/4-2.jpg)
૫૫૦ જેટલા ખેલાડીઓ ૨૨ ઈવેન્ટ્સમાં સ્પર્ધા કરશે
પંચમહાલ જિલ્લામાં ગોધરાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ
યુનિવર્સિટીના ચોથા ઈન્ટર કોલેજ ખેલકૂદ રમતોત્સવનો શુભારંભ સમારોહ યોજાયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે જણાવ્યું હતું
કે નબળું સ્વાસ્થ્ય જીવનના દરેક તબક્કે વ્યક્તિની પ્રગતિમાં અવરોધક બને છે અને
તેથી શારીરિક સ્વાસ્થ્યની ગુણવત્તા સુધારવા રમતને જીવનનો એક અગત્યનો ભાગ બનાવવાની
જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારે આ બાબત સમજીને શાળા-કોલેજ સ્તરે અન્ય
વિષયોના શિક્ષણ જેટલું જ મહત્વ સ્પોર્ટસ પ્રત્યે આપ્યું છે અને ફિટ ઈન્ડિયા જેવી
ઝુંબેશની શરૂઆત કરી છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આ પ્રસંગે સંબોધનમાં
જણાવ્યું હતું કે માનસિક અને બૌદ્ધિક ક્ષમતાના વિકાસ માટે વ્યક્તિનું સ્વસ્થ હોવું
પ્રથમ શરત છે. રમતોને જીવનશૈલીનો એક ભાગ બનાવવાથી તણાવ, ચિંતા અનિદ્રા જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે. હવે
દેશમાં રમતગમત ક્ષેત્રે સારી કારકિર્દીને અવકાશ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું
કે આ પ્રકારના કાર્યક્રમથી સ્પોર્ટસનો એક માહોલ બનાવવામાં મદદ મળશે.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રમતો
માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નથી સુધારતી પરંતુ તેનાથી વ્યક્તિમાં શિસ્ત, ખેલદીલી, જૂથ ભાવના, સતત પ્રયાસ કરવાની
ધગશ, કપરી પરીસ્થિતિમાં ઝઝૂમવાની મહેનત
કરવાની વૃતિ જેવા ગુણો ખીલે છે. અને તેથી આગળ જતા તે ગમે તે ક્ષેત્ર કારકિર્દી
બનાવવાનું તે પસંદ કરે તેમાં ક્યારેય નિષ્ફળ જતો નથી.
કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદઘાટક જેઠા ભરવાડે આ રમતોત્સવને ખુલ્લો મૂક્યો
હતો. રમતોત્સવ શરૂ થતા અગાઉ ઉપસ્થિત ખેલાડીઓએ ખેલભાવનાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
તા.૪ અને ૫ ડિસેમ્બર ૨૦૧૯ એમ બે દિવસ ચાલનાર આ રમતોત્સવમાં શ્રી ગોવિંદ ગુરૂ
યુનિવર્સિટીની ૧૪૨ કોલેજોના ૫૫૦ ખેલાડીઓ દોડ, લાંબી કૂદ-ઉંચી કૂદ, ગોળા ફેંક જેવી ૨૨
ઈવેન્ટ્સ માટે સ્પર્ધામાં ઉતરશે.