સંભવિત ‘મહા’ વાવાઝોડાને પહોંચી વળવા ભરૂચનું તંત્ર એલર્ટ

અરબી સમુદ્રમાં સજાર્યેા ‘મહા’ વાવાઝોડાની અસરે ભરૂચના તંત્રને પણ સાબદું કર્યુ છે.
ભરૂચના દરિયા કિનારાના વિસ્તારોને પણ વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઈ
તકેદારીના ભાગરૂપે આગોતરી તૈયારી શરૂ કરી છે. જેમાં આજરોજ આલિયાબેટ પરથી ૧૨૪ જેટલા
લોકોને સ્થળાંતરિત કરી ભાડભૂત અને હાંસોટ ખાતે સલામત સ્થળે ખસેડાયા છે.
અરબી સમુદ્રમાં ઉઠેલા મહા વાવાઝોડાની અસરે ગુજરાતમાં ૬૦ કિલોમીટરની ઝડપે પવનો ફુંકાવા સાથે તોફાની વરસાદની આશંકાઓ ઉભી થઈ છે. આગામી ૬ અને ૭ નવેમ્બરના રોજ મહા વાવાઝોડા ની દક્ષિણ ગુજરાતમાં પણ અસરો ઉભી થાય તેવી સંભાવના છે. વાવાઝોડાના પગલે દરિયો તોફાની બનવાની સંભાવનાના કારણે માછીમારોને દરિયો ખેડવા પ્રતિબંધિત કરાયા છે તો બીજીબાજુ વાવાઝોડાની અસરોને પહોંચી વળવા માટે ભરૂચનું વહીવટીતંત્ર પણ સાબદું થયું છે. ભરૂચ જિલ્લાના વાગરા, હાંસોટ, જંબુસર અને આમોદ આમ ચાર તાલુકાઓના દરિયા કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.
આ ગામોમાં સંભવિત અસરોને પહોંચી વળવા તંત્રએ રેવન્યુ તલાટી સહિત વિભાગના કર્મચારીઓ ની ટીમ ઉપરાંત વીજ કંપની, વનવિભાગ, આરોગ્ય વિભાગ અને આર. એન્ડ બી. વિભાગની ટીમો પણ તૈનાત કરાઈ છે. જંબુસર અને દહેજ પંથકમાંથી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓને પણ સલામત સ્થળે સ્થાળાંતરિત કરાયા છે.
આલિયાબેટમાં વસતા કચ્છી પરીવારોના ૧૨૪ લોકોને પણ સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડાયા છે. જેમાંના ૬૫ લોકોને વાગરાના ઈન્ચાર્જ મામલતદાર નીતેષ વસાવા અને ભાડભૂતના પૂર્વ સરપંચ પ્રવિણભાઇ ટંડેલની ટીમે ભાડભૂત ખાતે લાવી તેમને આશરો આપ્યો છે. તો બીજીબાજુ વાવાઝોડાની સંભવિત અસરોમાં તત્કાલીન ધોરણે બચાવકાર્ય થઈ શકે તે માટે એન.ડી.આર.એફ.ની ટીમને પણ તૈનાત કરાઈ છે.--