સાપુતારા : વરસાદ સાથે આહલાદક વાતાવરણ, પ્રવાસીઓમાં આનંદની લાગણી

128

વરસાદનું આગમન થઈ ગયું છે, અને હવે ગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળો જોવા મળ્યા હતાં. જેમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે, જ્યારે સાપુતારામાં પણ ખૂબ વરસાદી માહોલ જામ્યો હતો.

સાપુતારા..! આ નામ સાંભળતા જ ઉંચા ઘટા ટોપ જંગલ, વાંકા ચૂંકા રસ્તાઓ, ખળખળ વહેતા પાણીના ધોધ, રોપ-વે અને આકાશની અનોખી સફર કરાવતા પેરાગ્લાઈડિંગના દ્રશ્યો માનસપટ પર છવાઇ જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે છ માસ સુધી સાપુતારામાં પ્રવાસીઓ ઘટયા હતાં. જ્યારે હવે ચોમાસાની સિઝન બેસી જતાં મોટા પાયે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો.

સાપુતારા એ ગુજરાતનું એક માત્ર હિલ સ્ટેશન છે. વર્ષો પહેલા સાપુતારાને સપેરાઓનું નગર કહેવામાં આવતું હતું. પરંતુ તે બાદ ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા સાપુતારાનો સતત વિકાસ કરવામાં આવતા આજે સાપુતારા એ દુનિયાભરમાં પ્રખ્યાત બન્યું છે. હાલમાં ચોમાસાની સિઝનમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસ પ્રવાસીઓનો ખૂબ જ ધસારો જોવા મળ્યો હતો. અહીં ફરવા લાયક દરેક સ્થળ પર માનવ મહેરામણ ઉમટી પડયુ હતું. સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ સહિત મહારાષ્ટ્રના પણ હજારો પ્રવાસીઓ અહીં મનમૂકીને કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે. પ્રવાસીઓ એ જણાવ્યું હતું કે, સાપુતારામાં જેટલી વાર પણ અમે આવીએ છીએ એટલી વાર મનને શાંતિ મળે છે. અહીંના કુદરતી સૌંદર્યમાં ફરવાની ખૂબ જ મજા આવી રહી છે.

સાપુતારા ખાતે ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં અદ્યતન હોટલ જેવી જ સુવિધાઓ આપવામાં આવે છે. પ્રવાસીઓનું કહેવું છે કે ટેન્ટ સિટીમાં તમામ સુવિધાઓ સાથે રહેવાનો અનોખો જ અનુભવ છે. એવી જ રીતે અન્ય પ્રવાસીએ જણાવ્યું હતું કે, સાપુતારા ખાતે અમે દર વખતે આવીએ છીએ અહીં ખૂબ જ મજા આવે છે. ચોમાસાની સિઝનમાં સાપુતારાનો પ્રવાસ અમારા માટે યાદગાર પ્રવાસ બનીને રહે છે. અહીં આવ્યા પછી આ કુદરતી સૌંદર્ય વચ્ચે મનને ખૂબ જ શાંતિ મળે છે.

સાપુતારા ખાતે હોટલ માલિકોનું પણ કહેવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પાછલા છ મહિના સુધી મંદી જેવો માહોલ હતો. ૪૦% જેટલા પ્રવાસીઓ અહીં ઘટયા હતા પરંતુ હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતા જ પ્રવાસીઓનો ધસારો મોટા પ્રમાણમાં વધ્યો છે. તમામ હોટેલોમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાના તમામ શુક્રવાર, શનિવાર અને રવિવારનું બુકિંગ ફૂલ થઇ ચૂક્યું છે. જોકે આ વખતે સાપુતારામાં જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. પરંતુ તેમ છતાં ભરપુર ખીલી ઉઠેલી વનરાજીને માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

આગામી દિવસોમાં મોન્સૂન ફેસ્ટિવલ પણ શરૂ થવાનો હોય હોટલ માલિકો અત્યારથી જ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યા છે, તો આ સાથે સાપુતારા સહિત તેમની આસપાસ ફરવા લાયક સ્થળો પર પણ વિકાસની નવી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાયેલા વિકાસના પ્રોજેક્ટમાં અહીંનું ડોણ હિલ સ્ટેશન આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે મહત્વનું આકર્ષણનું કેન્દ્ર બનશે.

સાપુતારામાં પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં ફરવા માટે સારા ગાર્ડન અને બગીચાઓ છે. આદિવાસી સંસ્કૃતિની ઝલક આપતું અદભુત મ્યુઝીયમ છે બાળકો માટે ટોય ટ્રેન સહિત અન્ય રમત ગમતના સાધનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મોટેરાઓ માટે સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઇન્ટ સાપુતારા લેકમાં બોટિંગની સુવિધા સહિત આકાશી સફર કારવતા રોપ વે, પેરાગ્લાઇડિંગ, પેરામાઉન્ટ રાઇડિંગ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અને સમયાંતરે તેમાં અનેક નવા સુધારાઓ પ્રવાસીઓને સાપુતારા ખાતે આકર્ષી રહ્યા છે. હાલમાં સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો વધતા સ્થાનિક લોકો માટે રોજગારીની પણ તકો ઉપલબ્ધ બની છે વર્ષના આ દિવસો દરમ્યાન પ્રવાસીઓના ધસારાને કારણે લોકોને રોજગારી મળી રહી છે. પ્રવાસીઓ પણ અહીંના ખાણીપીણીના સ્ટોલ પર વિવિધ વાનગીઓનો ટેસ્ટ, ઘર સુશોભનની ચીજવસ્તુઓના સ્ટોલ પર મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.

LEAVE A REPLY