સિનિયર અભિનેતા ટોમ ઓલ્ટરનું નિધન

New Update
સિનિયર અભિનેતા ટોમ ઓલ્ટરનું નિધન

રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના સિનિયર અભિનેતા ટોમ ઓલ્ટરનું 67 વર્ષની વયે શુક્રવારે મોડી રાત્રે કેન્સર સામે ઝઝૂમતાં નિધન થયું હતુ.

જાણવા મળ્યા મુજબ ગયા મહિને કામ કરતાં કરતાં સતત થાકી જવાની ફરિયાદ અને કમજોરીના કારણે એમને મેડિકલ ચેકપ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે જાણવા મળ્યું હતું કે ટોમને ત્વચાના કેન્સરનો છેલ્લો તબક્કો છે. ટોમે હોસ્પિટલમાં રહેવાને બદલે ઘેર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

મૂળ અમેરિકી કૂળના ટોમનો જન્મ ઉત્તરાખંડમાં મસુરી ખાતે થયો હતો. બાળપણથી અભિનય કરવાની ઇચ્છા હોવાથી 1970ના દાયકામાં મુંબઇ આવ્યા હતા અને મનોરંજન ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતુ. સચિન તેંડુલકરને હજુ કોઇ ઓળખતું નહોતું અને ભારતીય ક્રિકેટ ટીમ માટે એની પસંદગી હજુ થવાની બાકી હતી ત્યારે ટોમે એની પ્રતિભા પારખીને ટેલિવિઝન પર એનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.

1976માં રામાનંદ સાગરની ફિલ્મ ચરસ (હીરો ધર્મેન્દ્ર)થી ટોમે ફિલ્મ કારકિર્દી શરૃ કરી હતી. ત્યારબાદ તેમણે આજ સુધીમાં 300 ફિલ્મો કરી હતી. જેમાં કેટલીક ખરેખર યાદગાર હતી. સત્યજિત રેની શતરંજ કે ખિલાડી, મનોજ કુમારની ક્રાન્તિ, શ્યામ બેનેગલની ઝૂનુન, રાજ કપૂરની રામ તેરી ગંગા મૈલી અને મહેશ ભટ્ટની આશિકી તેમની યાદગાર ફિલ્મો હતી.

1990ના દાયકામાં દૂરદર્શન પર પાંચ વરસ સુધી ચાલેલી ઝુનુન સિરિયલમાં કેશવ કલસી નામના ગુંડાનો તેમણે કરેલો રોલ યાદગાર બની રહ્યોે હતો. તેમની સેવાની કદર રૃપે ભારત સરકારે તેમને પદ્મશ્રી એનાયત કર્યો હતો.