સુરતઃ હિટ એન્ડ રનનો મામલો, બ્રહ્મ સમાજે ધરણા યોજી નોંધાવ્યો વિરોધ

New Update
સુરતઃ હિટ એન્ડ રનનો મામલો, બ્રહ્મ સમાજે ધરણા યોજી નોંધાવ્યો વિરોધ

અકસ્માત સર્જક માલેતુજારો નિર્દોષનાં જીવ લઈ રહ્યા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવા માંગ

સુરતનાં ડીંડોલી વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર ગતરોજ સર્જાયેલા હીટ એન્ડ રનમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત થયા હતા. જ્યારે 9 મહિનાના માસુમનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારે આજરોજ બ્રહ્મસમાજ દ્વારા હોસ્પિટલ ખાતે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેમની માંગ છે કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો તેમ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો લોકોએ ઈન્કાર કરી દીધો હતો.

રવિવારે રાત્રિનાં સમયે ડીંડોલી વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપરથી સાવરમલ શર્મા તેમનાં પત્ની ભવરી શર્મા અને રૂખમા તેમજ 9 મહિનાનું માસુમ એક બાઈક ઉપર જઈ રહ્યા હતા. તેવામાં સામેથી રોંગસાઈડમાં પુરપાટ ઝડપે આવેલા કાર ચાલકે અકસ્માતની હારમાણી સર્જી દીધી હતી. મિત્સુબિસી પજેરો ગાડી નંબર જીજે-5-જેએન-6285ના દિવ્યેશ અગ્રવાલે સર્જેલા હિટએન્ડ રનમાં 9 મહિનાના માસુમ સિવાય પરિવારનાં ત્રણ સભ્યોનાં સ્થળ પર જ મોત થયા હતા.

આ અકસ્માતમાં બચી ગયેલા 9 મહિનાનાં માસુમને રોહિત પાટીલ અને લક્ષ્મી પાટીલે સંભાળી લીધો હતો. જેને દૂધ પીવડાવી સારસંભાળ લેવામાં આવી રહી છે. અકસ્માત સર્જક દિવ્યેશ ઓમપ્રકાશ અગ્રવાલ ફાઈનાન્સનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. અને ડીંડોલી વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે લોકો તેને ઓળખાવે છે. અગાઉ તેણે ફાયરિંગ કર્યું હોવાની પણ વિગતો સામે આવી છે. ત્યારે બ્રહ્મસમાજનાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. અને માલેતુજારો દ્વારા નિર્દોષ લોકોનાં ભોગ લેવાઈ રહ્યા હોય આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાધે ધરણા યોજ્યા હતા. એક તબક્કે મૃતદેહો સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દેતાં પોલીસે હાલ તો દિવ્યેશ અગ્રવાલ અને તેના મિત્ર મહેન્દ્ર પાટીલની ધરપકડ કરી લીધી છે. સમગ્ર બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories