હાલ કેન્દ્રીય બજેટની સાથે સાથે રેલવે બજેટ પણ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે રેલવે તંત્ર પરથી મુસાફરોનો ભરોસો ઉઠી જાય તેવો કિસ્સો સુરતમાં સામે આવતા રેલ અધિકારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. સુરત ખાતે રેલવેના અઠવાલાઇન્સ સ્થિત પીઆરએસમાં નોકરી કરતા એક બુકીંગ કલાર્કે ૬૦ કિમિની ઝડપે ૧૦ મિનિટ સુધી પેસેન્જર ટ્રેન ચલાવી ૭૦૦ યાત્રીઓના જીવ સાથે રમત રમી હતી.

આ આખી ઘટના કેમેરામાં કેદ કરવામાં આવતા વીડિયોના આધારે લોકો પાયલોટની જગ્યા પર ટ્રેન ચલાવી રહેલા વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. ટ્રેન ચલાવનાર અઠવાલાઇન્સ પીઆરએસનો બુકીંગ ક્લાર્ક રવિન્દ્ર મોરે નીકળ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ રેલવેના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

જોકે આ ઘટના ક્યારે બની અને ટ્રેન કઈ હતી ટ્રેન ઉધના સ્ટોપેજ લઈ આગળ વધી હતી કે બાયપાસ હતી એ બાબતે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ બે ત્રણ દિવસ પહેલાની જ ઘટના હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. બુકીંગ ક્લાર્ક ટ્રેનમાં ડ્યુટી પર તૈનાત લોકો પાઇલોટના માર્ગદર્શન હેઠળ ટ્રેન ચલાવી રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.

ભારતીય રેલવેના નિયમ મુજબ ટ્રેન માત્રને માત્ર લોકોપાઇલોટ જ ચલાવી શકે છે.પશ્ચિમ રેલવેના લોકો ઇન્સ્પેક્ટર (ઉધના રનિંગ સ્ટાફ)લલિત અગ્રવાલે જણાવ્યું હતું કે આસિસ્ટન્ટ લોકોપાઇલોટ પાસે પણ આ સત્તા હોતી નથી. એટલું જ નહિ પણ એન્જીનમાં પણ પરિચાલન સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ કરવાની પરવાનગી હોતી નથી. ટ્રેન ચલાવવા માટે ટ્રેનિંગ લેવી પડે છે સર્ટિફાઈડ થયા બાદ જ લોકોપાઇલોટ જ ટ્રેન ચલાવી શકે છે. સેફટી માટેના કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. ડ્રાઇવિંગ સીટ પર લોકો પાઇલોટ સિવાય કોઈ અધિકારીને બેસવાની પણ પરવાનગી નથી હોતી આ મુસાફરોની સલામતી સાથે જોડાયેલો મામલો છે.

અત્રે નોંધનીય છે કે, આ લોકોપાઇલોટ દ્વારા ટ્રેનની કમાન બુકીંગ ક્લાર્કને આપી દેવાના મામલાને  રેલવે અધિકારીઓએ ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે.પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે આ ચોખ્ખી રીતે મુસાફરોની સેફટીના વાયોલેન્સનો મામલો છે. રેલવેના નિયમનું ખતરનાક રીતે ઉલ્લંઘન થયું છે.કસુરવારોને બક્ષવામાં નહિ આવે. આ ઘટના અમારા માટે પણ આ આંચકારૂપ ઘટના છે.

LEAVE A REPLY