સુરત – સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરથાણા નેચર પાર્ક એન્ડ ઝૂ માં રખાયેલા વન્યજીવો અને પંખીઓ માટે મંગાવવામાં આવતા શાકભાજી, ફ્રુટ અને મચ્છી જેવા ખાદ્ય પદાર્થો હલકી ગુણવત્તાનાં અને વાસી હોય છે તેવો ગંભીર આક્ષેપ કરતી એક અરજી નાથાલાલ સુખડિયા નામના એક જાગૃત નાગરિકે કરી છે. નાથાલાલે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, ઝૂમાં રખાયેલા પશુ પક્ષીઓને બરાબર ખાવાનું મળતુ નથી એટલે તેઓ દૂબળા-પાતળા અને કમજોર બની ગયા છે. કુપોષણને લીધે તેમના હાડકા પણ દેખાવા લાગ્યા છે. પાંજરામાં પારવાર ગંદકી જોવા મળી રહી છે. જેથી મ્યુનિસીપલ કમિશ્નર આ અરજીને ધ્યાનમાં લઈને ઝૂની મુલાકાત લે અને તપાસ કરાવે.

હકીકત એ છે કે, નાથાલાલ સુખડિયા નામના રહિશે થોડા દિવસ પહેલા સરથાણા નેચર પાર્ક એન્ડ ઝૂની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમને પ્રાણીઓના તથા પક્ષીઓના ખોરાકમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ લાગ્યુ હતુ. આખરે, તેમણે ઝૂ માં રખાયેલા પ્રાણી-પક્ષીઓના ખોરાક માટે થતો ખર્ચ અને ઝૂ ની આવકનો હિસાબ આરટીઆઈ દ્વારા માગ્યો હતો.

7મી જાન્યુઆરીના રોજ કરાયેલી આરટીઆઈનો જવાબ મળ્યા બાદ નાથાલાલે તારણ કાઢ્યુ હતુ કે, પાછલા 46 મહિના દરમિયાન પ્રાણી-પક્ષીના ભોજન માટે અંદાજીત બે કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે ઝૂમાં મુલાકાતીઓની ટિકીટ દ્વારા થતી આવક છેલ્લા 46 મહિનામાં 4.86 કરોડ રુપિયા થઈ હતી.

આમ, ઝૂ ના પક્ષીઓ અને પ્રાણીઓએ કોર્પોરેશનને બે થી અઢી કરોડની આવક અપાવી હતી. નાથાલાલ સુખડિયાએ આક્ષેપ કર્યો હતો કે, પ્રાણીઓ અને પક્ષીઓના ભોજન માટે લવાતા ફ્રુટ, શાકભાજી, ઘાસ અને મચ્છી જેવા ખાદ્ય પદાર્થો વાસી અને હલ્કી ગુણવત્તાના હોય છે. પશુપક્ષીઓ કમાઉ દિકરા હોવા છતાંય તેઓના પાંજરા કટાઈ ગયા છે અને તેમાં બરાબર સાફસફાઈ પણ થતી નથી.

પ્રાણીઓને પાંજરામાં રાખીને જાણે તેમની ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે. પશુ-પક્ષીઓને કુપોષણને લીધે કમજોરી આવી ગઈ હોય તેમ જણાય છે. પ્રાણીઓ દુબળા-પાતળા થઈ રહ્યા છે અને તેમના હાડકા દેખાઈ રહ્યા છે.

જેથી મ્યુનિસિપલ કમિશનર જાતે આ ઝૂની મુલાકાત લે અને પ્રાણીઓ તથા પક્ષીઓના ખોરાકમાં થતાં ભ્રષ્ટાચારની તપાસ કરાવે તેવી માગણી તેઓએ પોતાની અરજીમાં કરી હતી.

ચોંકાવનારી વાત એ છે કે, સરથાણા ઝૂનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં એક પાંજરામાં ઘાયલ રીંછ સ્પષ્ટ દેખાય છે. ઘાયલ રીંછનો આ વિડીયો વાઈરલ થતાં લોકોએ તપાસની માગણી કરી છે.

LEAVE A REPLY