/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/3-1.jpg)
તાપી જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી સતત પડી રહેલ વરસાદથી તમામ નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. સોનગઢ તાલુકામાં આવેલ ડોસાવાડા ડેમ સહિત જળસંચય અને સિંચાઈ માટે બનાવેલ તમામ તળાવો અને ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમની સપાટીમાં પણ ક્રમશ: વધારો થઈ રહ્યો છે. ફલડ કન્ટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા.૩-૮-૧૯ના રોજ બપોરે બે વાગ્યે ઉકાઈ જળાશયની સપાટી ૩૦૬.૭૩ ફુટે પહોંચી છે. જોકે તેના રૂલ લેવલથી લગભગ ૨૮ ફૂટ દુર છે. સમગ્ર જિલ્લામાં સંતોષ કારક વરસાદ થતાં જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠતા વાતાવરણ આહલાદક બની ગયું છે. ખેડુતોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાઓ દુર થઈ ગઈ છે. જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ સાર્વત્રિક ભારે વરસાદની આગાહીના પગલે ઉભી થનાર કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા તાપી જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ સાથે સાબદુ બની ગયું છે. જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામાની સીધી દેખરેખ હેઠળ જિલ્લામાં ભારે વરસાદ પડે ત્યારે કોઈ પણ રસ્તાઓ બંધ ન રહે અને પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં નદી-નાળા ગટર કેનાલ કોઝવેને તાત્કાલિક ખુલ્લા કરવા માટે સબંધિત વિભાગોના કાર્યપાલક ઈજનેરોને જુદાજુદા વિસ્તારોની વધારાની જવાબદારી સોપવામાં આવી છે.
કલેક્ટર નિનામા દ્વારા અધિકારી/કર્મચારીઓને હેડક્વાટર ન છોડવાની તકીદ કરી જિલ્લાના તમામ ઓવરફ્લો થયેલ નદી નાળા તળાવો ચેકડેમના સ્થળે હાજર રહી પુરની પરિસ્થિતી પર દેખરેખ રાખી પોતાને સતત જાણકારી આપવાની પણ સુચના આપવામાં આવી છે. વરસાદના લીધે ઉભી થયેલ નાની મોટી રીપેરીંગની કામગીરી પુરી કરવામાં આવી છે. જિલ્લાના તમામ તળાવો સલામત છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલ તળાવો પર ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. પુલ-કોઝવે ગરનાળાઓમાં કે અન્ય કોઈ નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાય તો કંટ્રોલ રૂમને તાત્કાલિક જાણ કરવા તેમજ સ્થાનિક કક્ષાએ ટીમો તૈયાર રાખીને નિકાલ કરવા ઉપરાંત આરોગ્ય વીજળી પાણી ટેલિફોન સુવિધાઓ જળવાઈ રહે તેની કાળજી રાખવા અધિકારીઓને સતત માર્ગદર્શન કરી કામગીરીનો વિગતવાર રીપોર્ટ મેળવી રહ્યા છે. ભારે વરસાદની પરિસ્થિતીમાં જિલ્લાના કોઈ રસ્તાઓ બંધ ન થાય તે માટે ઠેર ઠેર સફાઈ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વહીવટીતંત્રની સતર્કતા અન્વયે ભારે વરસાદ ધોવાણ થયેલ રસ્તાઓનું રીપેરીંગની તેમજ કોઝ-વેમાં ફસાઈ ગયેલ ઝાડી-ઝાંખરાને જેસીબીથી દુર કરી સફાઈ કરવામાં આવી રહ્યા છે.