Connect Gujarat
દેશ

ઉત્તર ભારતમાં અતિભારે વરસાદથી સર્જાયો વિનાશ 

ઉત્તર ભારતમાં અતિભારે વરસાદથી સર્જાયો વિનાશ 
X

જમ્મુ-કાશ્મીર , પંજાબમાં રેડ એલર્ટ’, શાળા-કોલેજો બંધ રહેશે

ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સતત અતિભારે વરસાદે ખાનાખરાબી સર્જી છે. જ્યારે સતત મૂશળધાર વરસાદના કારણે પંજાબમાં ‘રેડ એલર્ટ’ની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. પંજાબ સરકારે મંગળવારે તમામ શાળા-કોલેજો બંધ રાખવા માટે આદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ડોડા જિલ્લામાં વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ડોડા જિલ્લામાં પણ સ્કૂલો બંધ રાખવાનો આદેશ અપાયો છે.

હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદથી વિનાશ સર્જાયો છે તેમજ પૂરની સ્થિતિ સર્જાઈ છે. બદ્રીનાથ, કેદારનાથ અને યમુનોત્રીમાં સ્થિતિ ખરાબ છે. જેના કારણે ચારધામ યાત્રાને પણ અસર થઈ છે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ હોવાથી રાજધાની દિલ્હીમાં ટ્રાફિક જમા થયો હતો.

પંજાબ સરકારે જિલ્લા સત્તાધીશોને કહ્યું છે કે તેઓ ભારે વરસાદના લીધે કોઈપણ અનીચ્છનીય ઘટના અંગે સતત દેખરેખ રાખે. પંજાબમાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે પૂરની સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યના સત્તાધીશોએ તૈયારીઓ કરી લીધી છે. પંજાબ અને હરિયાણામાં સતત મૂશળધાર વરસાદના કારણે ખરીફ પાકનો સોથ વળી ગયો છે અને ખેતરોનું ધોવાણ થઈ ગયું છે.

વિનાશક વરસાદના કારણે હિમાચલમાં પૂર આવતા કાંગરા અને કુલુમાં ક્રમશ: એક પુરૂષ અને યુવતીના મોત થયાં છે. ધસમસતા પૂરમાં કેટલાક મકાનો પણ તણાઈ ગયાં છે. બિયાસ નદી ભયજનક સ્તરે વહી રહી હોવાનું હિમાચલ પ્રદેશના વન મંત્રી ગોવિંદસિંઘ ઠાકુરે કહ્યું હતું. તેમણે આ સ્થિતિમાં નદી-નાળાઓ પાસે ન જવા માટે ચેતવણી આપી છે.

Next Story