Connect Gujarat
દેશ

છોકરીઓને શિક્ષિત ન કરવાથી વિશ્વને 30 ટ્રિલિયન ડોલરનું નુકશાનઃ વલ્ડ બેન્ક

છોકરીઓને શિક્ષિત ન કરવાથી વિશ્વને 30 ટ્રિલિયન ડોલરનું નુકશાનઃ વલ્ડ બેન્ક
X

ઓછી આવક ધરાવતા દેશોમાં બે તૃતીયાંશથી ઓછી બાળકીઓ પ્રાઇમરી સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કરે છે

છોકરીઓને શિક્ષિત ન કરવા અથવા તેમના સ્કૂલના શિક્ષણમાં અવરોધો ઊભા કરવાથી વૈશ્વિકસ્તરે ૧૫થી ૩૦ ટ્રિલિયન ડોલરનું નુકસાન થાય છે તેમ વિશ્વ બેન્કે જણાવ્યું છે. વિશ્વ બેન્કના આ અહેવાલમાં છોકરીઓના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવા નિર્દેશ કરવામાં આવ્યો છે. ઓછી આવક ધરાવતા દેશોમાં બે તૃતીયાંશથી ઓછી બાળકીઓ પ્રાઇમરી સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કરે છે. ત્રણમાંથી માત્ર એક છોકરી જ લોવર સેકન્ડરી સ્કૂલ સુધી પહોંચે છે. બેન્કના ‘મિસ્ડ ઓપ્પોર્ચુનિટીઝ: ધ હાઇ કોસ્ટ ઓફ નોટ એજ્યુકેટિંગ ગર્લ્સ' નામના નવા રિપોર્ટમાં ઉમેરાયું છે કે, ‘ઘણી વયસ્ક મહિલાઓને યુનિવર્સલ સેકન્ડરી એજ્યુકેશન (૧૨ વર્ષના સ્કૂલિંગ)થી યુવાનીમાં લાભ થતો નથી અને આને કારણે વૈશ્વિકસ્તરે ૧૫થી ૩૦ ટ્રિલિયન ડોલરના માનવ મૂડી સંપત્તિનું નુકસાન થાય છે.'

સરેરાશ જોઇએ તો સેકન્ડરી એજ્યુકેશન ધરાવતી મહિલાઓને કામ મળવાની સંભાવના વધુ હોય છે. તેઓ શિક્ષણ નહિ ધરાવતી મહિલાઓની સરખામણીએ આશરે બમણી આવક રળી શકે છે તેવું રિપોર્ટમાં જણાવાયું છે. મલાલા ફંડના કો-ફાઉન્ડર અને નોબલ લોરેટ મલાલા યુસફઝાઇએ જણાવ્યું હતું કે ‘યોગ્ય શિક્ષણ ન હોવાને કારણે ૧૩ કરોડ જેટલી છોકરીઓ એન્જીનીયરો કે પત્રકારો અથવા સીઇઓ નથી બની શકતી, જેના કારણે આપણા વિશ્વને ખર્વો ડોલરનું નુકસાન થાય છે. જો તે બચે તો વૈશ્વિક અર્થતંત્ર અને જાહેર આરોગ્યની સ્થિતિ મજબૂત બની શકે અને વિશ્વમાં સ્થિરતા આવી શકે છે.'

મલાલાએ ઉમેર્યું હતું કે ‘જો નેતાઓ એક સરસ વિશ્વનું નિર્માણ કરવા માટે ગંભીર છે તો તેમને છોકરીઓના સેકન્ડરી શિક્ષણમાં ગંભીર રોકાણ સાથે શરૂઆત કરવાની જરૂર છે. આ રિપોર્ટ એક વધુ પૂરાવો છે કે છોકરીઓના શિક્ષણમાં રોકાણમાં વિલંબ કરવાનું આપણને પોષાય તેમ નથી.' રિપોર્ટમાં જણાવ્યાનુસાર, હાલમાં વિશ્વમાં છ અને ૧૭ વર્ષ વય વચ્ચેની ૧૩.૨ કરોડ જેટલી છોકરીઓ હજુ પણ સ્કૂલમાં નથી. જેમાં ૭૫ ટકા તો તરૂણાવસ્થામાં છે. વર્લ્ડ બેન્કના સીઇઓ ક્રિસ્ટેલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે ‘આપણે વૈશ્વિક પ્રગતિના માર્ગમાં લૈંગિક અસમાનતાને જારી રાખી ન શકીએ.'

Next Story